સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે રામનવમી મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામજી મંદિરેથી બપોરના ચાર કલાકે શોભાયાત્રા પ્રસ્થાન થઈ વિજપડીના મુખ્ય માર્ગો પર ફરી હતી. ગામના હજારો રામ ભક્તો અને યુવાનો તથા ગ્રામજનો ભક્તિના તાલે આનંદ ઉલ્લાસથી જોડાયા હતા અને જય શ્રી રામના નાદથી વીજપડીની ભૂમિ ગુંજી ઉઠી હતી. શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને અલગ અલગ યુવક મંડળો દ્વારા શરબત, ચા પાણી અને લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન શ્રીરામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગામના તમામ યુવાનો, વેપારીઓ અને આગેવાનો જોડાયા હતા.