સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ત્રણના કોળીવાડા નાકા વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી અધૂરા રોડના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આનંદ આશ્રમ પાસે આવેલા આ વિસ્તારમાં રોડનું કામ અધૂરું છોડી દેવાતા સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર સામે મોરચો માંડ્‌યો હતો. અધૂરા રોડના કારણે વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક વૃદ્ધ વ્યક્તિ રોડ પર પડી જતાં હાડકાં ભાંગી ગયા હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. વિસ્તારમાં આગામી દિવસોમાં યોજાનારા લગ્ન પ્રસંગો માટે પણ લોકો ચિંતિત છે. કોન્ટ્રાક્ટરે ફોન પર જણાવ્યું હતું કે ધારાસભ્યની સૂચના મુજબ પહેલા મેઈન બજારનું કામ પૂરું કરવાનું છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ વધુ ભભૂકી ઊઠ્‌યો હતો. સ્થાનિક કાઉન્સિલર મશરૂ અને કમલેશભાઈ રાનેરાએ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ યોગ્ય નિરાકરણ ન આવ્યું.