સાવરકુંડલા તાલુકામાં કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ખાતે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે તાલુકા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના ૪૫૦થી વધુ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કલા મહાકુંભ અંતર્ગત નિબંધ, ચિત્ર, લોકગીત, સમૂહગીત અને વક્તૃત્વ સહિતની કુલ ૧૪ સ્પર્ધાઓનું આયોજન વિવિધ ઉંમર જૂથ માટે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ૪૨ જેટલા તજજ્ઞોએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંજુલાબેન ભટ્ટે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં સાવરકુંડલા તાલુકા યુવક મંડળના પદાધિકારીઓ અને કાર્યકરોએ મહત્વનું યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે ધર્મશંકરભાઈ ભટ્ટ અને વિપુલભાઈ શિંગાળાએ આભારવિધિ કરી હતી.