સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમ ખાતે શરદપૂર્ણિમા નિમિત્તે મનોરોગી દીકરીઓનો ઐતિહાસિક રાસ-ગરબા કાર્યક્રમ યોજાયો હતો. આ વિશેષ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અધ્યક્ષસ્થાને હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો તરીકે અમરેલી એસ.પી. હિમકરસિંહ, અમરીશ ડેર, લોકસાહિત્યકાર મનસુખ વસોયા, નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી, અમરેલી જિલ્લા ભાજપ ડાયમંડ સેલના પ્રમુખ ઘનશ્યામ ડોબરીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. માનવ મંદિર આશ્રમમાં છેલ્લા ૧૨ વર્ષથી મનોરોગી દીકરીઓની સેવા કરવામાં આવે છે. આ પ્રસંગે અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક ડા. વિવેક જોશી અને ચંદ્રેશ બાબરીયા પણ હાજર રહ્યા હતા. રાજકોટ, જામનગર, અમરેલી અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી. મનોરોગી બહેનો સાથે મહેમાનોએ રાસ-ગરબામાં ભાગ લીધો હતો. અમરેલીના રાહુલ બારોટની ઓર્કેસ્ટ્રા દ્વારા વિનામૂલ્યે સંગીત પૂરું પાડવામાં આવ્યું હતું. આ દરમિયાન ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા ભોજન પ્રસાદ અને દૂધ-પૌંઆનો સહકાર આપવામાં આવ્યો હતો. અંશુ ગુપ્તાએ સુંદર રાસ-ગરબા, કથક નૃત્ય અને ગરબા ગાઈને કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો હતો. દિલીપભાઈ સંઘાણીએ આ પ્રસંગે મનોરોગી દીકરીઓની સેવા અને આશ્રમની મુલાકાત લેવાનું મહત્વ સમજાવ્યું હતું. લોકસાહિત્યકાર મનસુખ વસોયાએ માનવ મંદિર આશ્રમનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન વિજય મહેતાએ કર્યું હતું.