રાજસ્થાન રોયલ્સને તે સમાચાર મળ્યા છે જેની તેઓ રાહ જાઈ રહ્યા હતા. ટીમના કેપ્ટન સંજુ સેમસનને બીસીસીઆઇ દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે હવે વિકેટકીપિંગની જવાબદારીઓ સંભાળવા માટે તૈયાર છે. આ સાથે તે આગામી મેચથી ટીમની કમાન પણ સંભાળશે. આંગળીની ઈજાને કારણે સંજુ સેમસન આઇપીએલ ૨૦૨૫ની પહેલી ત્રણ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો હતો અને ફક્ત બેટિંગ કરવા માટે જ મેદાનમાં ઉતરી રહ્યો હતો. હવે રિયાન પરાગની જગ્યાએ સંજુ સેમસન ફરી એકવાર ટીમનું નેતૃત્વ કરશે.
ક્રિકબઝના એક અહેવાલમાં જણાવાયું છે કે બીસીસીઆઇના સેન્ટર ઓફ એક્સેલન્સની મેડિકલ ટીમ દ્વારા સંજુ સેમસનને સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સની ત્રીજી મેચ પછી જ સેમસન તેની ફિટનેસ સ્થિતિ તપાસવા માટે બેંગલુરુ સ્થિત સીઓઇ પહોંચ્યો હતો. અહીં તેની સંપૂર્ણ તપાસ કર્યા પછી મેડિકલ ટીમે તેને વિકેટકીપિંગ કરવાની પણ મંજૂરી આપી. આ પહેલા સંજુને ફક્ત બેટિંગ કરવાની મંજૂરી હતી.
જાન્યુઆરી મહિનામાં ઈંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણી દરમિયાન એક મેચમાં સંજુ સેમસનને આંગળીમાં ઈજા થઈ હતી. ત્યારથી તે આંગળીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો હતો. આઇપીએલની શરૂઆતમાં સંજુને બેટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સેન્ટર ઓફ એક્સેલન્સની મેડિકલ ટીમે તેની આંગળીની સ્થિતિને કારણે તેને વિકેટકીપિંગ કે ફિલ્ડીંગ કરવાની મનાઈ ફરમાવી હતી. આવી સ્થિતિમાં, રાજસ્થાન રોયલ્સે આ સિઝનની પહેલી ૩ મેચમાં સેમસનનો ઉપયોગ ફક્ત ઈમ્પેક્ટ પ્લેયર તરીકે કર્યો હતો અને તે ફક્ત બેટિંગ કરતો જાવા મળ્યો હતો.
આવા સમયે રિયાન પરાગે ટીમની કમાન સંભાળી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાનને પહેલી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ત્રીજી મેચમાં ટીમે જારદાર વાપસી કરી ચેન્નાઈને હરાવીને સિઝનની પહેલી જીત નોંધાવી હતી. પરંતુ હવે કેપ્ટન સેમસન ફરી એકવાર કેપ્ટન-વિકેટકીપર તરીકે ટીમમાં પરત ફરવા માટે તૈયાર છે. રાજસ્થાનનો આગામી મુકાબલો ૫ એપ્રિલે મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચથી જ સંજુ ટીમની કપ્તાની કરતો જાવા મળી શકે છે.