૧૪ વર્ષ સુધી ચાલેલા ગૃહયુદ્ધને કારણે સીરિયાના લગભગ અડધા સ્કૂલ-એજ બાળકો શિક્ષણથી વંચિત છે. સેવ ધ ચિલ્ડ્રનનાં રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. સંસ્થાએ આ માટે તાત્કાલિક પગલાં ભરવાની હાકલ કરી છે.
સંસ્થા કહે છે કે સીરિયાના મોટાભાગના બાળકોને ખોરાક સહિત તાત્કાલિક માનવતાવાદી સહાયની જરૂર છે. તેમાંથી ઓછામાં ઓછા અડધાને યુદ્ધના કારણે થયેલા આઘાતમાંથી સાજા થવા માટે મનોવૈજ્ઞાનિક સમર્થનની જરૂર છે.
સંસ્થાના સીરિયા ડિરેક્ટર રાશા મુહરેઝે રાજધાની દમાસ્કસમાં એક ઇન્ટરવ્યુ આપ્યો. જેમાં તેણે જણાવ્યું હતું કે સીરિયામાં લગભગ ૩.૭ મિલિયન બાળકો શાળાએ નથી જઈ રહ્યા, અને તેમને શાળામાં પાછા લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
તેમણે કહ્યું કે સીરિયાના લોકો છેલ્લા એક દાયકાથી સંઘર્ષ સહન કરી રહ્યા છે. તાજેતરમાં રાષ્ટÙપતિ બશર અલ-અસદ સામેના બળવાને કારણે વધુ લોકો વિસ્થાપિત થયા છે. યુનાઈટેડ નેશન્સે ૭૦૦,૦૦૦ થી વધુ લોકો નવા વિસ્થાપિત થયાની જાણ કરી છે. મુહરેઝે જણાવ્યું હતું કે વિસ્થાપિત લોકોની નવી તરંગને કારણે કેટલીક શાળાઓનો ફરીથી આશ્રય તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અંદાજે ૭.૫ મિલિયન બાળકોને તાત્કાલિક માનવતાવાદી સહાયની જરૂર છે.
મુહરેઝે કહ્યું કે આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે બાળકો શાળાઓમાં પાછા આવી શકે. આ સિવાય સ્વાસ્થ્ય અને ખોરાક જેવી પ્રાથમિક સુવિધાઓ તેમને ઉપલબ્ધ હોવી જાઈએ અને તેઓ સુરક્ષિત રહે. તેમણે કહ્યું કે ગૃહયુદ્ધ તેમજ કુદરતી આફતો અને આર્થિક સંકટના કારણે બાળકો શિક્ષણ, આરોગ્ય સંભાળ, સુરક્ષા, આશ્રય સહિતના મૂળભૂત અધિકારોથી વંચિત રહી ગયા છે.
મુહરેઝે કહ્યું કે યુદ્ધ દરમિયાન મોટા થયેલા ઘણા બાળકો હિંસાથી પીડાય છે. આની તેના પર મોટી અસર થઈ છે. કેટલાકે તેમના માતા-પિતા ગુમાવ્યા છે, કેટલાકે તેમના ભાઈ-બહેન, મિત્રો અને ઘર ગુમાવ્યા છે. સેવ ધ ચિલ્ડ્રન અનુસાર, લગભગ ૬.૪ મિલિયન બાળકોને આઘાતમાંથી બહાર લાવવા માટે તાત્કાલિક મનોવૈજ્ઞાનિક મદદની જરૂર છે.
તમને જણાવી દઈએ કે ૨૦૧૧માં સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દ્વારા સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ક્રૂર કાર્યવાહી કર્યા બાદ ગૃહ યુદ્ધ શરૂ થયું હતું. જેના કારણે સીરિયાની અર્થવ્યવસ્થા અને જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બરબાદ થઈ ગયું હતું. યુદ્ધને કારણે પાંચ લાખથી વધુ લોકો માર્યા ગયા અને લાખો લોકો વિસ્થાપિત થયા. જેના કારણે બાળકો પણ અસુરક્ષિત બન્યા હતા