મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ, લેબેનોન અને ઈરાન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ સતત વધી રહ્યો છે. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે મંગળવારે પણ ભારે ગોળીબાર ચાલુ રહ્યો હતો. ઇઝરાયલી સુરક્ષા દળોએ લેબનોનમાં તેમના ગ્રાઉન્ડ આક્રમણને વિસ્તારવાનો સંકેત આપ્યો છે. આ દરમિયાન ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસ પર હવાઈ હુમલો કર્યો છે. જેમાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
સીરિયન સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઇઝરાયેલી સેના દ્વારા દમાસ્કસમાં રહેણાંક મકાન પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને ૧૧ લોકો ઘાયલ થયા. આ ક્ષેત્રમાં ચાલી રહેલા યુદ્ધના કારણે હજારો લોકોને ઈઝરાયેલ-લેબનોન સરહદ પર પોતાના ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે. મંગળવારે, ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે તે લેબનોનના દક્ષિણી તટીય વિસ્તારમાં ટૂંક સમયમાં કામગીરી શરૂ કરશે. સેનાએ લેબનીઝ લોકોને બીચથી દૂર રહેવાની સલાહ આપી છે.
આ પહેલા સોમવારે ઇઝરાયલે એક કલાકની અંદર દક્ષિણ લેબનોનમાં ૧૨૦ થી વધુ હિઝબુલ્લાહ સ્થાનોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં હિઝબુલ્લાહના ૫૦ લડવૈયા માર્યા ગયા હોવાના અહેવાલ છે. લેબનીઝ સરકારી મીડિયા અનુસાર, આ હુમલામાં ૧૦ અગ્નીશામકોના મોત થયા છે.