સુપ્રીમ કોર્ટે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત સીબીઆઇ ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જામીન માટે દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે દિલ્હીના સીએમની જામીન અરજી પર સુનાવણી કરી હતી. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલનો પક્ષ રજૂ કર્યો હતો.
જામીન અરજી પર સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે ‘સીબીઆઇ દ્વારા એક્સાઈઝ પોલિસી કેસમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં કેજરીવાલનું નામ નથી. ઉપરાંત, તાજેતરમાં કેજરીવાલને વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હીના સીએમ સમાજ માટે ખતરો નથી. સિંઘવીએ એમ પણ કહ્યું કે બે વખત સુપ્રીમ કોર્ટ અને એક વખત ટ્રાયલ કોર્ટે કેજરીવાલને જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે.
સિંઘવીના કહેવા પ્રમાણે, એકવાર સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે જામીન પર મુક્ત કર્યા હતા અને એક વખત કેજરીવાલને ઈડ્ઢના મની લોન્ડરિંગ કેસમાં જામીન પણ મળી ચૂક્યા છે. સિંઘવીએ દલીલ કરી હતી કે કેજરીવાલ બંધારણીય પદ ધરાવે છે અને સમાજ માટે ખતરો નથી. તેમણે કહ્યું કે સીબીઆઇએ બે વર્ષમાં કોઈ ધરપકડ કરી ન હતી, પરંતુ પછી ૨૬ જૂને કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલની ધરપકડ એક રીતે વીમા ધરપકડ હતી. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ૨૩ ઓગસ્ટે કેજરીવાલના જામીન પર સોગંદનામું રજૂ કરવા કહ્યું હતું. તેમજ કેજરીવાલને બે દિવસમાં સીબીઆઈ એફિડેવિટનો જવાબ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
સિંઘવીની દલીલો પર સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે પ્રથમ વાંધો એ છે કે કેજરીવાલે પહેલા જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવું જાઈએ અને સીધી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જાઈએ નહીં. રાજુએ કહ્યું કે એવું લાગે છે કે કેજરીવાલ એક ખાસ વ્યÂક્ત છે જેમના માટે અલગ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.
અરવિંદ કેજરીવાલે બે અલગ-અલગ અરજી દાખલ કરી છે, જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. એક અરજીમાં કેજરીવાલે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડને પડકારી છે. બીજી અરજીમાં કેજરીવાલે જામીન માટે અપીલ કરી છે. આ પહેલા ૫ ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેમને ટ્રાયલ કોર્ટમાં જવા કહ્યું હતું. જ્યારે હાઈકોર્ટે કેજરીવાલના જામીનનો વિરોધ કર્યો હતો, ત્યારે સીબીઆઈએ દલીલ કરી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી જામીન પર બહાર આવ્યા બાદ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.