મધ્યપ્રદેશમાં ઓબીસીને ૨૭ ટકા અનામત મેળવવાનો માર્ગ મોકળો થયો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે યુથ ફોર ઇક્વાલિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ઓબીસી અનામત અંગે કોઈ અવરોધ નથી. આવી સ્થિતિમાં, રાજ્યમાં ઓબીસી માટે ૨૭ ટકા અનામતનો માર્ગ મોકળો થયો છે. અરજીમાં, અન્ય પછાત વર્ગોને ૨૭ ટકા અનામત આપવાના રાજ્યના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, તમામ ૭૫ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તાજેતરમાં, મધ્યપ્રદેશ હાઈકોર્ટે ઓબીસી અનામત સામેની અરજીને અતાર્કિક ગણાવીને ફગાવી દીધી હતી. ૨૦૨૧માં દાખલ કરાયેલી આ જ પીઆઈએલ પર ૨૦૨૩માં હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ વચગાળાના આદેશ દ્વારા ૮૭ઃ૧૩ ફોર્મ્યુલા નક્કી કર્યો હતો.
અરજદાર વતી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, મધ્યપ્રદેશમાં ઓબીસી વસ્તી ૫૦.૯ ટકા છે, જ્યારે અનુસૂચિત જનજાતિની વસ્તી ૨૧.૧૪ ટકા છે અને મુસ્લીમ સમુદાયની વસ્તી ૩.૭ ટકા છે. આમ છતાં, રાજ્ય સરકારે ઓબીસી શ્રેણીને માત્ર ૧૪ ટકા અનામત આપી છે. જ્યારે એસસીને ૧૬ ટકા અને એસટીને ૨૦ ટકા અનામત આપવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશમાં, તત્કાલીન મુખ્યમંત્રી કમલનાથે વર્ષ ૨૦૧૮ માં ઓબીસી અનામત ૧૪ ટકાથી વધારીને ૨૭ ટકા કરી હતી. પરંતુ, કમલનાથ સરકારના આ આદેશને પડકારવા માટે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ સાથે ઓબીસી અનામત ૨૭ ટકા સુધી વધારવાના સમર્થનમાં અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી.
મધ્યપ્રદેશ હાઈકોર્ટ સાથે જાડોયેલા બીજા એક કેસમાં પણ સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હાઈકોર્ટના જસ્ટીસ અરવિંદ ધર્માધિકારીને કેરળ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. આ નિર્ણય ૨૦ માર્ચ, ૨૪ માર્ચ અને ૩ એપ્રિલ ૨૦૨૫ ના રોજ યોજાયેલી કોલેજિયમની બેઠકોમાં લેવામાં આવ્યો હતો.સીજેઆઇ સંજીવ ખન્નાની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકોમાં ટ્રાન્સફરની ચર્ચા કરવામાં આવી હતી.