સુરતના મોટા વરાછા વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવ રેસિડેન્સી નજીકના ગોડાઉનમાં આગ બાદ ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થયું હતું. ગોડાઉનમાં કેમિકલ હોવાના કારણે આગ એટલી હદે વિકરાળ બની હતી કે બે કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાયા હતા. ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગનો વીડિયો ઉતારનારી વ્યક્તિ પણ હચમચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. પતરાંનો શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આખેઆખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું. ફાયરબ્રિગેડને જાણ કરાતાં ત્રણ ફાયર સ્ટેશનની ગાડી સ્થળે દોડી ગઈ હતી. મોટા વરાછાના વૈભવ રેસિડેન્સી પાસે ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગ્રાઉન્ડ પર જ પતરાંના શેડ નાખીને આ ગોડાઉન ચલાવવામાં આવતું હતું, જેમાં લોખંડની તિજોરી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. આજે (૧૮ જાન્યુઆરી) સવારના સમયે એકાએક જ બ્લાસ્ટ થતાં આસપાસના રહીશો ગભરાઈ ગયા હતા. ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ ખૂબ જ પ્રચંડ હોવાને કારણે આજુબાજુના કાચ પણ તૂટી ગયા હતા. બ્લાસ્ટના અવાજથી ભલભલા ધ્રૂજી ગયા ઊઠ્‌યા હતાં. થોડી ક્ષણો માટે તો આસપાસના રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા.