સુરતમાં ભાજપના ધારાસભ્ય અને મેયર વચ્ચે હિસાબ મુદ્દાને લઈને સંઘર્ષ જાવા મળ્યો. હિસાબી પત્ર મામલે સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ પાલિકાની પોલ ખોલી. મેયરના હિસાબી પત્ર સામે ધારાસભ્ય અરવિંદ રાણાએ વધુ એક પત્ર લખ્યો. સવાલોની ભરમાર સાથે અરવિંદ રાણાનો વધુ એક પત્ર સામે આવતા ભાજપનો આંતરિક કલહ સપાટી પર જાવા મળી રહ્યો છે.
ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરના હિસાબી પત્રો સામે સવાલો ઉભા કરતા શહેરના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. અરવિંદ રાણાએ આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કામગીરી બાબતે એસએમસી દ્વારા સેન્ટ્રલ ઝોન સામે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. તેમજ વર્ષ ૨૦૧૬થી રોડ પરના ખોદકામોને લઈને આજ સુધી ‘કામ ચાલુ’ છે તેમ બતાવવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે આ પત્રમાં ઉલ્લેખ કર્યો કે મેયરના હિસાબી પત્રમાં બતાવ્યા પ્રમાણે રૂ. ૩.૯૧ કરોડના ખર્ચ થયા છે. પરંતુ આ તમામ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવાયા છે. સુરત પાલિકાએ કોઈ ખર્ચ કર્યો જ નથી.
ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન બેઠકમાં રજૂઆત કરી હતી કે, ૧૦ વર્ષથી સેન્ટ્રલ ઝોનમાં ખોદકામ ચાલી રહ્યું હોવાને કારણે લોકો હિજરત કરી રહ્યા હોવાથી આ વિસ્તારમાં સીસી રોડ બનાવવામાં આવે. ધારાસભ્યની માંગની રજૂઆત પર સુરતના મેયર દક્ષેણ માવાણીએ અરવિંદ રાણાને લાંબો લચક પત્ર લખ્યો. મેયરે લખેલ ૨૦ પાનાના પત્રમાં તેમણે આ ૩ વર્ષમાં જે કામગીરી થઇ તેનો હિસાબ આપ્યો હતો. અને મેયરના હિસાબી પત્ર પર પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય અરવિંદ રાણાએ સણસણતો જવાબ આપ્યો કે સુરત પાલિકાએ કોઈપણ જાતનો ખર્ચ કર્યો નથી.