સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં પારિવારિક કાકાએ જ ૧૬ વર્ષ ૯ મહિનાની સગીરા સાથે દુષ્કર્મ આચાર્યું હતું. સગીરાને પેટમાં દુખાવો થતાં તેણે પરિવારના સભ્યોને આ બાબતે જણાવ્યું હતું અને પરિવારના સભ્યો સગીરાને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટર દ્વારા તપાસ કરતા સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ પરિવારના સભ્યોએ સગીરાની પૂછપરછ કરતા કૌટુંબિક કાકાએ સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાના કારણે સગીરાને ગર્ભ રહ્યો હોવાનું સામે આવ્યું અને પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાના કૌટુંબિક કાકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા પોતાના જ કૌટુંબિક દિયર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે કૌટુંબિક દિયર દ્વારા મહિલાની દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને સગીરાને પેટનો દુખાવો થતા હોસ્પીટલે લઈ જતા સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ લઈ તાત્કાલિક અસરથી કૌટુંબિક કાકાની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેની સામે બીએનએસની કલમ ૬૪ (૨) , ૬૪ (૨) એમ ૩૫૧ (૨) તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ અફેન્સ એક્ટ ૨૦૧૨ની કલમ ૪, ૫, ૬, ૮ અને ૧૮ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપીની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપી, સગીરાની એકલતાનો લાભ ઉઠાવીને પોતાના ઘરે લઈ જતો હતો અને ત્યારબાદ સગીરા સાથે પોતાના જ ઘરમાં શરીર સંબંધ બાંધતો હતો. સગીરા સાથે દુષ્કર્મ આચાર્ય બાદ આરોપી તેને ધમકાવતો હતો અને આ વાત કોઈને ન કહેવાનું જણાવતો હતો. કાકાની ધમકીથી ડરી ગયેલ સગીરા કાકાએ કરેલા કૃત્યોની વાત તેના પરિવારના સભ્યોને કહેતી ન હતી.

સગીરાને પેટમાં દુખાવો થતાં તેણે પરિવારના સભ્યોને પેટના દુખાવાની ફરિયાદ કરી હતી. પરિવારના સભ્યો સગીરાને હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે પેટના દુખાવાનું કારણ જાણવા સોનોગ્રાફી કરતા સામે આવ્યું હતું કે સગીરાને પાંચ માસનો ગર્ભ છે અને પરિવારના સભ્યોને આ માહિતી મળતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ત્યારબાદ સગીરાને પરિવારના સભ્યોએ વિશ્વાસમાં લઈને માહિતી મેળવતા કૌટુંબિક કાકાના કૃત્યનો ભાંડો ફૂટ્યો અને અંતે સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.