સુરતમાં વરિયાવી બજાર માં અસમાજિક તત્વો દ્વારા ફરી કાંકરીચાળો કરાયો. સૈયદપુરા બાદ વરિયાવી બજારમાં આવેલ ગણપતિ મંડપ પર કાંદા અને બટાકા ફેંકવામાં આવ્યા. શહેરમાં ૮ સપ્ટેમ્પરના રોજ ગણપતિ પંડાલ પર સગીરો દ્વારા પથ્થર મારો કરાયો હતો. હવે શહેરમાં ફરી એકવાર અસમાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
શહેરમાં વરિયાવી વિસ્તારમાં ગણપતિ મંડપ પર કાંદા બટાકા ફેંકવામાં આવ્યા. અસમાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ખાસ કરીને અત્યારે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકોને ડરાવવા ગણેશ પંડાલને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ૫ દિવસની અંદર શહેરમાં વધુ એક ગણેશ મંડપને નિશાન બનાવતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો. જો કે આ બનાવ બાદ વરિયાવી બજારમાં ગણેશ મંડપ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પરંતુ તહેવાર દરમ્યાન અસમાજિક તત્વો દ્વારા થતી વારંવાર આવી હેરાનગતિને લઈને શહેરના અન્ય વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલમાં ચુસ્ત વ્યવસ્થા તૈનાત કરવાને લઈને માંગ કરવામાં આવી છે.
શહેરમાં ૫ દિવસ પહેલા ૮ સપ્ટેમ્બરના રોજ સૈયદપુરાના ગણેશ પંડાલ પર અજાણ્યા છ કિશોરો દ્વારા પથ્થરો ફેંકવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. જેના બાદ સમગ્ર શહેરમાં અરાજકતાનો માહોલ છવાયો હતો. જો કે ગૃહમંત્રી અને પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવાતા સ્થિતિ થાળે પડી હતી. પરંતુ ફરી એકવાર શહેરમાં ગણેશ મંડપને નિશાન બનાવતા હવે અસમાજિક તત્વોએ પથ્થરના બદલે ડુંગળી અને બટાકા ફેંકયા હતા. સૈયદપુરાની ઘટનામાં પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે આ એક ષડયંત્ર છે. આ ઘટનાને લઈને કેટલાક જાણકારોએ ભીતિ વ્યક્ત કરી હતી કે કેટલાક લોકોની ઉશ્કેરણીને પગલે કાશ્મીર સ્ટાઈલમાં સગીરોનો ઉપયોગ કરી તહેવાર દરમ્યાન શાંતિ ડહોળવા પ્રયાસ કરાઈ રહ્યા છે. હાલમાં પોલીસે સૈયદપુરા અને વરિયાવી બજારની સ્થિતિ પર નિયંત્રણ કર્યું છે. જો કે રાજ્યની પોલીસ આ ઘટના બાદ વધુ સતર્ક થતા ગણેશ ઉત્સવ દરમ્યાન તોફાની તત્વોને કાબૂમાં કરી રહી છે.