વકતાઓએ મનનીય વકતવ્યો આપ્યા અને પોતાના મનને શુદ્ધ કરવા જણાવ્યું
સુરત, તા.૨૧
સુરતના વરાછા બેંક ઓડિટોરિયમ ખાતે ૭૦મા થર્સ ડે થોટ્‌સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત વકતાઓએ પ્રેરણાનું ઝરણું વહાવ્યું હતું. કાનજી ભાલાળાએ કહ્યું, માણસનું મન દલા તરવાડી જેવું છે, પોતાની રીતે જ જીવવા મન બનાવી લે છે. શુદ્ધિકરણ અને ઉર્ધ્વીકરણ એ સુખી થવાનો ખરો રસ્તો છે. ડો.બાલુભાઈ શેલડીયાએ કહ્યું, માણસ પોતે જ પોતાનો વકીલ છે, જે હંમેશા નિષ્ફળતાનો બચાવ કરે છે. પ્રથમ કોઈ ભૂલ કે ખામી દુર કરવી તે શુદ્ધિકરણ અને પછી હંમેશા વિકસતુ રહેવું તે ઊર્ધ્વીકરણ છે. જીવનમાંથી વાસનાને દૂર કરવી એ શુદ્ધિકરણ અને જીવનને સમદ્રષ્ટી સાથે એક કરી દેવું એ ઊર્ધ્વીકરણ. શુદ્ધિકરણ અને ઊર્ધ્વીકરણ સુખી થવાના રસ્તા છે. પોતાની પાસે નથી તે જોઈએ છે પરંતુ બીજાની પાસે હોય તો તેની ઈર્ષા કરીએ છીએ.