દિવ્ય કાશી, ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત સુરત ખાતે શહેર ભાજપ દ્વારા દરેક વોર્ડમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નં-૧૭ પુણા પૂર્વ દ્વારા યોગીચોક વિસ્તાર ખાતે શહેર ભાજપ અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણીની ઉપસ્થિતિમાં ભવ્ય ઢોલ નગારા સાથે શંકર-પાર્વતી, ભવાનીને બગીમાં બેસાડી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ તકે વોર્ડના પ્રમુખ ચિમનભાઈ વોરા સહિત હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને વિસ્તારના રહિશો દ્વારા શંકર-પાર્વતીને કુમકુમ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાના અંતે વિજયનગર યોગીચોક ખાતે આવેલા શિવ મંદિરે તમામે ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરી હતી અને પ્રધાનમંત્રીના લાઈવ કાર્યક્રમને નિહાળ્યો હતો.