સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ઉત્ખનન કરનારાઓનું રાજ ચાલે છે તો તંત્ર પણ ઓછું ભ્રષ્ટ નથી. ખાણ અને ખનીજ વિભાગના આવા લાંચિયા કર્મચારીની એસીબીએ સફળ છટકામાં લાંચ લેવાના આરોપસર ધરપકડ કરી છે.
સુરેન્દ્રનગરમાં રેતી ઉત્ખનનનું કામ કરનારા પાસે ખાણ અને ખનીજ વિભાગના લાંચિયા કર્મચારીઓએ લાંચ માંગી હતી. તેઓએ તેમનું ડમ્પર રોકીને તેની એન્ટ્રીના અને હેરાનગતિ ન કરવાના એક ડમ્પર લેખે રૂ. ૫૦૦ એમ કુલ ૧,૫૦૦ રૂપિયાની લાંચની માંગ કરી હતી.
જા કે ફરિયાદીએ રકમ ઓછી કરવાનું કહેતા લાંચિયા કર્મચારીઓએ ૧,૫૦૦ના બદલે હજાર રૂપિયા કરી આપ્યા હતા. પણ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. તેના પગલે એસીબીએ તેમને પકડવાનું છટકુ ગોઠવ્યું હતું અને આરોપી સાજિદ એહમદખાન પઠાણ અને ગિરીશ ઝાલાની ધરપકડ કરી હતી. સાજિદ ખાણ અને ખનીજ વિભાગમાં ક્લાર્ક છે જ્યારે ગિરીશ ઝાલા સિક્યોરિટી ગાર્ડ છે. બંને સામે લાંચનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ઉત્ખનન બહુ મોટો મુદ્દો છે. તેમા પથ્થરની ક્વોરીથી લઈને નદીની રેતી સુદ્ધાનું ગેરકાયદે ખનન કરીને સરકારી તિજારીને મોટો ફટકો મારવામાં આવે છે. હવે આ આરોપીની ધરપકડના લીધે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં અંકુશ આવશે તેમ માનવામાં આવે છે.