સુરેન્દ્રનગરમાં જોરાવરનગર રોડ પર અમદાવાદની ટેક્સી ચાલકે યુવકને અડફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને નજીકના લોકોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
બેફામ વાહનચાલકોને અંકુશમાં લાવવા રાજ્ય પોલીસ, જીલ્લા પોલીસ કડક કાર્યવાહી કરતી જાવા મળી છે. પકડાયેલા લોકોને મોટો દંડ પણ ભરવો પડ્યો છે, તેમજ વાહનચાલકોની બેદરકારીનાં લીધે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે ફરીથી સુરેન્દ્રનગર જીલ્લામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલ જારાવરનગર-રતનપર કોઝ વે રોડ પરથી બેફામ વાહન ચાલક કાર લઈને પૂરપાટ ઝડપે દોડાવી રહ્યો હતો, દરમિયાન માતૃશ્રી કોમ્પલેક્સ નજીક અચાનક કાબૂ ગુમાવતા યુવકને અડફેટે લીધો હતો.
માહિતી અનુસાર, માહિર ડોડિયા નામનો યુવક કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. કારની ટક્કરથી રસ્તે ચાલીને જતો યુવક કાર અને થાંભલા સાથે અથડાચાં શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. કાર એટલી ઝડપમાં હતી કે યુવક ફંગોળાઈ થાંભલાને અથડાયો હોવાનું સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે. અકસ્માત થતાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાર ચાલકને ટોળાએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. ઘાયલ યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તબીબી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો છે.
અગાઉ જામનગરના દરેડ મસિતીયા રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રન ના બનાવમાં એક યુવાનનો જીવ ગયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારના ચાલકે એક બાઈકને ઠોકરે ચડાવતાં બાઈક સવાર સુમરા યુવાનનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. માહિતી મુજબ, જામનગરના દરેડ-મસીતીયા રોડ પર ઈકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક રઝાક અબ્બાસભાઇ ખફી નામના ૨૨ વર્ષીય સુમરા યુવાનને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયા ફરજ પરના તબીબો દ્વારા યુવાનને મૃત જાહેર કરાયો હતો.