સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લેતા ૩૦૦ થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. આ ઘટના જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બની હતી. ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્ત લોકોથી હોસ્પિટલો ભરાઈ ગઈ હતી.
સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરાયા હતા. વધુ બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. સાયલા તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. લીંબડી નાયબ કલેક્ટર, ડીવાયએસપી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ સુદામડા પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ચાર ટીમો સાથે એમ્બ્યુલન્સનો કાફલો સુદામડા ખાતે રવાના કરાયો હતો.
આ અંગે લીંબડી નાયબ કલેકટરે જણાવ્યું હતું કે, આજે સુદામડા ગામમાં બપોરે માતાજીનો કાર્યક્રમ યોજાયો હતો, ખોરાકમાં કોઈ ઝેરી અસર થઈ હશે, જેના કારણે અનેક લોકો બીમાર પડ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં ૨૦૦ લોકોને સુદામડા પીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે અને તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. આમાંથી કોઈ ગંભીર નથી, તેથી કોઈને ખસેડવામાં આવ્યા નથી. કેટલાક લોકોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
હાલ પીએચસીમાં ૧૦ થી ૨૦ જેટલા લોકો દાખલ છે. પરંતુ ૨૦૦ થી ૩૦૦ લોકોને ફૂડ પોઇઝનીંગની અસર થઇ છે. ૬ મેડિકલ ઓફિસર હાજર છે અને ૩-૪ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. સુરેન્દ્રનગર અને લીંબડીની હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હજુ સુધી ફૂડ પોઈઝનિંગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.