પ્રસ્‍તાવનાઃ સૂક્ષ્મ તત્વો જેવા કે લોહ, જસત, તાંબુ, મેંગેનીઝ, મોલીબ્ડેનમ, બોરોન જે બહુ ઓછા પ્રમાણમાં શાકભાજીનાં પાકોને જરૂરીયાત હોવાથી સૂક્ષ્મ તત્વો તરીકે ઓળખીએ છીએ. સુક્ષ્મ પ્રમાણમાં જરૂરીયાત હોવા છતા છોડનાં વિકાસ અને વૃધ્ધિમાં મુખ્ય અને ગૌણતત્વો (નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શીયમ, મેગ્નેશીયમ, ગંધક) જેવા આવશ્યક પોષક તત્વો જેટલુ મહત્વનું સ્થાન ધરાવે છે. મુખ્ય અને ગૈણતત્વોની જેમ સુક્ષ્મતત્વોનાં ઉણપના કારણે વૃધ્ધિ અને વિકાસ તો અટકે છે તે ઉપરાંત પાકનું ઉત્પાદન પણ ઘટે છે. જો આ સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ જમીનમાં વધી જાય તો પણ તેની પાક ઉત્પાદનમાં આડ અસર જોવા મળે છે. તેથી સૂક્ષ્મ તત્વોની ઉણપ તથા વધારે માત્રામાં પૂર્તિ શાકભાજીનાં પાકોને નુકસાન પહોંચાડે છે. ગુજરાત રાજયની જમીનોમાં કુલ વાવેતર વિસ્તારમાં ૬૯ ટકા વિસ્તારમાં જસતની ઉણપ અને ૫૯ ટકા વિસ્તારમાં લોહની ઉણપ જણાય છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની ચૂનાયુકત જમીનમાં જસત અને લોહની ઉણપ સવિશેષ જોવા મળે છે. ગુજરાતમાં મેંગેનીઝ, તાંબુ, બોરોન અને મોલીબ્ડેનમની અપૂરતાવાળો વિસ્તાર અનૃકમે ૧૭,૧૨,૮ અને ૧૦ ટકાનો નોંધાયેલ છે.
જમીનમાં પોષકતત્વોની લભ્યતાને અસર કરતા પરિબળો:
જમીનમાં પોષક તત્વોની લભ્યતા મુખ્યત્વે (૧) જમીનનો અમ્લતા આંક (ર) ઝીણી માટીનું પ્રમાણ (૩) મુકત ચૂનો (૪) સેન્દ્રિય તત્વ (૫) જમીનનો ભેજ (૬) જમીનનું ઉષ્ણતામાન (૯) તત્વો સાથે પારસ્પરિક સંબંધ, જેવા અનેક પરિબળો ઉપર આધાર રાખે છે. ખાસ કરીને સુક્ષ્મ તત્વોની ખામી હલકી પ્રતની રેતાળ, ખડકાળ, પથ્થરિયા, ચૂનાવાળી તેમજ ઓછા નિતારવાળી ક્ષારીય જમીનો કે અમ્લતા આંક ઉચો હોય તેવી ભાસ્મીક જમીનમાં તેમજ જમીનના ઉપલા પડનું ધોવાણ થયેલ હોય તેવી જમીનમાં વર્તાય છે. શાકભાજીનાં જુદા જુદા પાકોની જરૂરીયાત ઉણપની પરિસ્થિતિની વિસ્તૃત માહિતી નીચે કોઠામાં આપેલ છે.

કોઠોઃ ૧ સૂક્ષ્મ તત્વોનાં ઉણપની પરિસ્થિતિ અને પરિબળો

સૂક્ષ્મ તત્વ:ઝસત  : ઉણપની પરિસ્થિતિ:-  ઓછા પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થનું હોવું , અમ્લીય આંક ૭ કરતા ઓછો, ફોસ્ફરસનું વધારે પ્રમાણ, વધારે સેન્દ્રિય જમીન, વધારે સમય ભેજ રહેવો.
સૂક્ષ્મ :મેંગેનીઝ: ઉણપની પરિસ્થિતિ:-  અમ્લીય આંક ૮.૮ કરતા વધારે, સેન્દ્રિય જમીન, રેતાળ જમીન, વધારે સમય જમીનમાં ભેજ રહેવો.
સૂક્ષ્મ :બોરોન : ઉણપની પરિસ્થિતિ:-  ઓછા પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થ, ૭.૪ કરતા વધારે અમ્લીય આંક, ઘસારો પહોંચેલી જમીન, રેતાળ જમીન, દકાળ જેવી પરિસ્થિતી.
સૂક્ષ્મ તત્વ:લોહતત્વ : ઉણપની પરિસ્થિતિ:- ૭.૪ કરતા વધારે અમ્લીય આંક, વધારે સમય જમીનમાં ભેજ રહેવો, કેલકેરીયસ જમીન.
સૂક્ષ્મ તત્વ: કોપર : ઉણપની પરિસ્થિતિ:- રેતાળ જમીન, સેન્દ્રિય જમીન, વધારે ઓછા પ્રમાણમાં અમ્લીય આંક, ચૂનાયકત જમીન.
સૂક્ષ્મ તત્વ: મોલીબ્ડેનમમ : ઉણપની પરિસ્થિતિ:- અમ્લીય જમીન (અમ્લીય આંક પ.પ કરતા નીચો), વધારે પ્રમાણમાં ઘસારા પામેલી જમીન.