સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુરૂવારથી રાજ્યની ૧૧મી ચિંતન શિબિરનું આયોજન થયું છે. જેમાં રાજ્ય સરકારના ૧૦૦૦ કરતાં વધારે અધિકારીઓ તેમજ પદાધિકારીઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના તમામ સાથીઓ ૩ દિવસ એક મંચ પર હાજર રહીને વર્ષ ૨૦૪૭ના વિઝનના સંકલ્પ પત્ર પર ચર્ચાઓ કરશે. સોમનાથમાં આયોજિત ચિંતન શિબિર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ મહત્વની માનવામાં આવે છે. જેમાં આગામી ચૂંટણીને લઈને પણ કોઈ રણનીતિ નક્કી થશે.
તારીખ ૨૧મી નવેમ્બરના રોજ ગુરુવારથી સોમનાથ ખાતે ગુજરાત સરકારની ૧૧મી ચિંતન શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર નજીક વિશાળ ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાનની સાથે મંત્રી પરિષદના અન્ય પ્રધાનો અને રાજ્યના ૧૦૦૦ કરતાં વધારે ઉચ્ચ અધિકારીઓ ચિંતન શિબિરમાં સામેલ થશે. જેમાં વર્ષ ૨૦૪૭ના સંકલ્પ પત્રની સાથે સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં આપી રહેલી સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીને લઈને પણ કોઈ રણનીતિ નક્કી કરવામાં આવશે. ૩ દિવસમાં સરકારના મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય અને કેન્દ્રની લોક કલ્યાણકારી યોજનાઓ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તે માટેની કસરત જિલ્લાના અધિકારીઓને મળી શકે છે.
રાજ્યની ચિંતન શિબિરની શરૂઆત ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. રાજ્યના વિવિધ સ્થળો પર જઈને રાજ્યની સરકાર અને ઉચ્ચ અધિકારીઓ એક સાથે બેસીને લોક કલ્યાણકારી યોજનાઓ પર મંથન કરી શકે તે માટે આ બેઠકનું આયોજન થતું રહ્યું છે. જેમાં ૧૧મી બેઠકનું આતિથ્ય સોમનાથને મળ્યું છે. અગાઉ પણ એક વખત સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન બેઠક મળી ચૂકી છે. ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પણ થવાની પૂરી શક્યતાઓ છે.
ચિંતન બેઠકનો મુખ્ય ધ્યેય રાજ્ય અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ કે જે સીધી રીતે સામાન્ય લોકો સાથે જોડાઈ શકે છે. આવી યોજનાઓની માહિતી પ્રત્યેક લોકો સુધી પહોંચે તે માટે જે તે જિલ્લાના પ્રભારી પ્રધાનો અને જિલ્લાના કલેક્ટર કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ વડાને કામ મળી શકે છે. આ સિવાય ચિંતન શિબિરમાં સામેલ પદાધિકારીઓ વચ્ચે જે નાના-મોટા ખટરાગ છે. તેને લઈને પણ ચર્ચાઓ થવાની પૂરી શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ વચ્ચે ખટરાગ કોઈ પણ રાજકીય પક્ષને પરવડે તેમ નથી. આવી સ્થિતિમાં ચિંતન બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને એક થઈને જિલ્લા સ્તરનું આયોજન કરવાની પણ સુચના ચિંતન બેઠકમાંથી મળી શકે છે.
ચિંતન શિબિરનું સ્થળ સોમનાથ તરીકે પસંદ કરવા પાછળ સરકાર અને ભાજપે એક તીરથી અનેક નિશાનો સાધવાનો પ્રયાસ પણ કર્યો હશે. સોમનાથ મહાદેવનું સાનિધ્ય મળતા જ ધર્મને લઈને એક વિશેષ અને ચોક્કસ વર્ગને પ્રોત્સાહિત કરી શકાય. વધુમાં ચિંતન બેઠક આગામી પ્રદેશ ભાજપના નવા પ્રમુખની જાહેરાતને લઈને પણ મહત્વની માનવામાં આવી રહી છે. આ વખતે પ્રદેશ પ્રમુખ પર સૌરાષ્ટ્રમાંથી કોઈ ભાજપનો આગેવાન રાજ્યના સંગઠનના વડા બની શકે છે. તેવી પૂરી શક્યતા છે. જેને લઈને પણ સોમનાથમાં ચિંતન શિબિરનું આયોજન મહત્વનું માનવામાં આવી રહ્યું છે. વધુમાં સૌરાષ્ટ્રનું રાજકારણ ભાજપ માટે કાયમ પ્રયોગશાળા રહ્યું છે. જેથી સૌરાષ્ટ્રના મતદારોને પાર્ટી સાથે જાડી રાખવા માટે પણ ચિંતન શિબિર માટે સોમનાથની પસંદગી થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.