ગીર સોમનાથ,તા.રપ
સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર સામે ચાલી રહેલા સોમપુરા બ્રાહ્મણ સમાજના આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે સુખદ અંત આવ્યો છે. મંદિર ટ્રસ્ટે આપેલી લેખિત બાંહેધરી બાદ આંદોલનકારીઓએ પોલીસ સ્ટેશનમાં પારણાં કર્યાં હતા. વિવાદનું મુખ્ય કારણ મંદિરની પૂજા વિધિમાં સોમપુરા બ્રાહ્મણો સિવાયના બહારના પાઠશાળાના વિદ્યાર્થીઓને સામેલ કરવાનો નિર્ણય હતો. આ નિર્ણયનો સોમપુરા બ્રાહ્મણ સમાજે વિરોધ નોંધાવ્યો હતો. ગઈકાલે સાંજે ૬ વાગ્યે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટી જે.ડી. પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર, એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજા અને સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સોમનાથ ટ્રસ્ટે તેના લેટરપેડ પર લેખિત બાંહેધરી આપી હતી કે હવેથી ગણેશ પૂજામાં પાઠશાળામાં બહારના બ્રાહ્મણોને બોલાવવામાં આવશે નહીં. આ નિર્ણયને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. ઉપરાંત, સોમપુરા સમાજના અન્ય સંબંધિત પ્રશ્નોની ચર્ચા ટ્રસ્ટની આગામી બેઠકમાં કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે.