સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો-મહાનગરો- શહેરી વિકાસ સત્તામંડળોને જનસુવિધા-સુખાકારીના વિકાસ કામો માટેરૂ. ૫૧૦૦ કરોડ ફાળવાશે રાજ્યના નગરો-મહાનગરોમાં આંતરમાળખાકીય વિકાસના કામો-આગવી ઓળખના કામો તથા આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો-પાણી પુરવઠા-ભૂગર્ભ ગટર યોજનાના કામો માટે આ રકમનો ઉપયોગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે સુઆયોજિત સર્વગ્રાહી વિકાસ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૨૦૨૨-૨૩ના વર્ષ માટે ૫૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણીનું આયોજન કર્યુ છે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે આ ૫૧૦૦ કરોડ રૂપિયાની રાશિ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તથા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મહાનગરો, નગરો અને શહેરી વિકાસ સત્તામંડળોને આપવાની પણ અનુમતિ આપી છે. ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને રૂ. ૩૮૦૬ કરોડની રકમ રાજ્યના મહાનગરો, નગરો તથા સત્તામંડળોમાં વિવિધ જનહિત વિકાસ કામોના હેતુસર ઉપયોગમાં લેવા ફાળવવામાં આવશે અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને રૂ. ૧૨૯૪ કરોડ ફાળવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જીએમએફબી અને જીયુડીએમને ફાળવાનારી આ રકમમાંથી રાજ્યની મહાનગરપાલિકાઓને રૂ. ૩૩૪૫ કરોડ, નગરપાલિકાઓને રૂ. ૧૬૨૮ કરોડ તથા શહેરી વિકાસ સત્તામંડળોને રૂ. ૧૨૭ કરોડની રકમ વિકાસ કામો માટે અપાશે.તો બીજી તરફ આ હેતુસર, વિવિધ આંતર મળખાકીય વિકાસ કામો માટે ૮ મહાનગરપાલિકાઓને રૂ. ૧૯૧૭ કરોડ, નગર પાલિકાઓને રૂ. ૩૭૯ કરોડ અને શહેરી વિકાસ સત્તામંડળોને રૂ. ૭૨ કરોડ આપવાની જોગવાઇ સુનિશ્ચિત કરી છે.જયારે શહેરી સડક યોજના માટે રૂ. ૫૦૦ કરોડની ફાળવણી થશે તેમાંથી ૮ મહાનગરપાલિકાઓને રૂ. ૩૦૦ કરોડ અને નગરપાલિકાઓને રૂ. ૨૦૦ કરોડ ફાળવવામાં આવશે. એટલું જ નહિ, ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો માટે રૂ. ૩૫૦ કરોડ અને આગવી ઓળખના કામો માટે ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ફલાય ઓવર બનાવવા માટે રૂ. ૨૫૦ કરોડ ફાળવાશે.
આ ઉપરાંત ૮ મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ માટે રૂ. ૨૩૮ કરોડની ફાળવણી થશે. ઉપરાંત મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને રૂ. ૧૨૯૪ કરોડ નગરો-મહાનગરોમાં નાગરિક સુવિધા વૃદ્ધિના વિકાસ કામો માટે ઉપયોગમાં લેવા ફાળવવામાં આવશે. ઉપરાંત આ રકમમાંથી ભૂગર્ભ ગટર, પાણી પુરવઠા, નળ થી જળ કાર્યક્રમ અન્વયે પીવાના પાણી માટેના વિતરણ કામો, નગરોમાં મુખ્યમંત્રી બસ પરિવહન સુવિધા તેમજ નગરપાલિકાઓને સંચાલન અને નિભાવણી ખર્ચ સહાય આપવામાં આવશે.