ગુજરાતના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા જણાવ્યું છે કે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. ૭૯,૧૭૯ કરોડના શહેરી વિકાસના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમૃત મિશન ૧.૦ હેઠળ રૂ. ૫૧૬૫ કરોડથી વધુ અને અમૃત મિશન ૨.૦ હેઠળ રૂ. ૧૭,૭૧૭ કરોડથી વધુના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વતી વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમૃત મિશન ૧.૦ વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૧ દરમિયાન અમલમાં હતું, જેના હેઠળ કુલ રૂ. ૫૧૬૫.૯૬ કરોડના કામો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, વર્ષ ૨૦૨૧ થી અમૃત મિશન ૨.૦ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં રૂ. ૧૭,૭૧૭ કરોડના કામો પ્રગતિમાં છે અથવા પૂર્ણ થઈ ગયા છે. તેમણે ઉમેર્યું કે આ સિવાય સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સૂચિત જોગવાઈ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. ૭૯,૧૭૯ કરોડના શહેરી વિકાસના કામો રાજ્યમાં કરવામાં આવ્યા છે.

આ યોજનાની મહત્વતા સમજાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે અને વધતી જતી શહેરીકરણની ગતિ અને તેના કારણે ઉભા થતા પડકારોને પહોંચી વળવા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૯ માં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના શહેરોનો સર્વાંગી વિકાસ કરવાનો છે.

મંત્રીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટ જિલ્લાની ભાયાવદર, ધોરાજી અને જસદણ નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ધોરાજી નગરપાલિકામાં ચાલી રહેલા કામોની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર યોજના (ભાગ-૨) માં પમ્પીંગગ સ્ટેશન, ડી.આઇ. અને આર.સી.સી. પાઇપલાઇન, પમ્પીંગ મશીનરી, કમ્પાઉન્ડ વોલ અને ૨ વર્ષ સુધીના સમારકામ અને નિભાવણીના કામોનો સમાવેશ થાય છે. આ કામ માટે ગુજરાત શહેરી વિકાસ કંપની દ્વારા ૨૭ જૂન, ૨૦૨૪ ના રોજ વર્કઓર્ડર આપવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં ૬૫% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

આમ, રાજ્ય સરકારે શહેરી વિકાસને પ્રાથમિકતા આપી છે અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને અમૃત મિશન જેવી યોજનાઓ દ્વારા શહેરોમાં માળખાકીય સુવિધાઓ વધારવા અને નાગરિકોના જીવનધોરણને સુધારવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે. મંત્રી ઋષિકેશ પટેલે આ કામગીરીને રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી.