સ્વામિનારાયણ સંપ્રદાયનાં લીલા ચરિત્રની વાતો નામના પુસ્તકમાં ભગવાન પરશુરામનું અપમાન થતાં બ્રહ્મસમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમસ્ત બ્રહ્મસમાજ અમરેલી શહેર જિલ્લા તેમજ યુવા બ્રહ્મસમાજ, જિલ્લા મહિલા બ્રહ્મસમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકમાં ભગવાન પરશુરામનું અપમાન થતાં કલેકટરને રોષભેર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકમાં ભગવાન પરશુરામનું અપમાન થયેલ છે તેના કારણે બ્રહ્મસમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. આ પુસ્તકમાં કોઈપણ જાતના ધર્મગ્રંથો કે શાસ્ત્રનાં આધાર વગર લખાણ કરવામાં આવેલ છે. પુસ્તકમાં ભગવાન પરશુરામ સ્વામિનારાયણ સાધુનાં પગ પકડતા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જેથી રાજય સરકાર દ્વારા તાત્કાલિક આ પુસ્તકનાં પાના નં.૧૮પ ઉપર ભગવાન પરશુરામ નામનું લખાણ છે તે દૂર કરવામાં આવે અને લેખક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.