દૂધમાં જેમ સાકર ઓગળી જાય તેમ રતન તાતાએ ભારતની ભવ્ય અને દિવ્ય ભૂમિમાં પોતાની જાતને હોમી “સેવાહી ઉપાસના”ને ચરિતાર્થ કરવા સમગ્ર ભારતને પોતાનો પરિવાર સમજી જેટલું કમાયા તેમાંથી ૬૬% દેશની વિવિધ શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રસેવા માટે દાન કરનાર ભામાશાનો દેહાંત થતા ભારતે અણમોલ રતન ગુમાવ્યું છે.
દેશ માટે ઊંચી ભાવના રાષ્ટ્રપ્રેમ અને માનવ પ્રેમનું ઝરણું રતન તાતામાં કાયમ માટે નિઃસ્વાર્થ ભાવે વહ્યું. જેના થકી રતન તાતાના જવાથી આખો દેશ શોકમાં ઘરકાવ થઈ રહ્યો છે. તેમનું કામ સદીઓ સુધી જીવંત રહેશે. આવા મહાપુરુષો આ દેશની ધરોહર છે. તેમના જીવન અને કવન વિશે યુવા પેઢી જાણી શકે તે માટે સારાંશ લેખ સ્વરૂપે દર્શાવ્યો છે. જે મારા વાચક વર્ગને ઉપયોગી બનશે.
રતન તાતાનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈમાં, એક પારસી જરથોસ્તી પરિવારમાં થયો હતો.તેઓ નવલ તાતાના પુત્ર હતા, જેમનો જન્મ સુરતમાં થયો હતો અને બાદમાં તેમને તાતા પરિવારમાં દત્તક લેવામાં આવ્યા હતા. રતન તાતાએ ૮મા ધોરણ સુધી કેમ્પિયન સ્કૂલ, મુંબઈ ખાતે અભ્યાસ કર્યો હતો. જે બાદ તેમણે મુંબઈની કેથેડ્રલ અને જોન કોનોન સ્કૂલ, શિમલાની બિશપ કોટન સ્કૂલ અને ન્યૂયોર્ક સિટીની રિવરડેલ કન્ટ્રી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો, જ્યાંથી તેમણે ૧૯૫૫માં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. સ્નાતક થયા બાદ, તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાંથી તેમણે ૧૯૫૯માં આર્કિટેક્ચરમાં સ્નાતકની પદવી મેળવી હતી. કોર્નેલમાં હતા ત્યારે તેઓ આલ્ફા સિગ્મા ફી ફેટરટીના સભ્ય બન્યા હતા. ૨૦૦૮માં, તાતાએ કોર્નેલને ૫૦ મિલિયન યુએસ ડોલરની ભેટ આપી હતી, જે યુનિવર્સિટીના ઇતિહાસનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય દાન ભંડોળ હતું. તેઓએ જમશેદજી તાતા દ્વારા સ્થાપિત બહુશાખીય કંપની સમૂહ તાતા જૂથના ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. પોતાના ૭૬મા જન્મદિવસે તેમણે જૂથનું ચેરમેનપદ છોડીને સાયરસ મિસ્ત્રીને સોંપ્યું હતું. અલબત્ત તેમને જૂથનાં માનદ્‌ ચેરમેનપદે ચાલુ રાખવામાં આવ્યા હતા. રતન તાતાએ ક્યારેય લગ્ન કર્યા ન હતા અને તેમને કોઈ સંતાન નહોતું. ૨૦૧૧માં એક મુલાકાતમાં રતન તાતાએ જણાવ્યું હતું કે, “હું ચાર વખત લગ્ન કરવાની નજીક પહોંચ્યો હતો અને દરેક વખતે મેં ડરથી અથવા એક યા બીજા કારણસર પીછેહઠ કરી હતી.
૨૮ ડિસેમ્બર ૧૯૩૭ – ૯ ઓક્ટોબર ૨૦૨૪ સુધી એક ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી રહ્યાં. જેમણે ૧૯૯૦ થી ૨૦૧૨ સુધી ટાટા ગ્રુપ અને ટાટા સન્સના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી, અને ત્યારબાદ ઓક્ટોબર ૨૦૧૬ થી ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી વચગાળાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ભારત સરકાર દ્વારા તેમને ૨૦૦૦માં પદ્મભૂષણ અને ૨૦૦૮માં પદ્મવિભૂષણ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યા હતા. અનેક શિક્ષણ સંસ્થા કોર્નેલ યુનિવર્સિટી (બેચલર ઓફ આર્કિટેક્ચર) માં પ્રદાન આપેલ છે. તેઓ વ્યવસાયે ઉદ્યોગપતિ, પરોપકારી વ્યક્તિત્વ ધરાવતા હતા. સોમ્ય અને સૌજન્યશીલ વ્યકિતત્વ થકી અનેક પદની ગરીમા ચેરમેન એમેરિટસ, ટાટા સન્સ અને ટાટા ગ્રૂપ પદ અવધિ ૧૯૯૧–૨૦૧૨ અને૨૦૧૬–૨૦૧૭ પુરોગામી જે. આર. ડી. તાતા અનુગામી સાયરસ મિસ્ત્રી (૨૦૧૨–૨૦૧૬) નટરાજન ચંદ્રશેખરન (૨૦૧૭–વર્તમાન) હવાલો સંભાળી રહ્યા છે. તેમની કામગીરી જ તેમના પુરસ્કારો છે. વર્ષ ૨૦૦૮માં રાષ્ટ્રપતિ ભવનમાં રતન તાતાને પદ્મ વિભૂષણ સન્માન તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે રતન તાતાને અર્પણ કર્યો હતો. ૨૦૦૦માં પદ્મભૂષણ અને ૨૦૦૮માં પદ્મવિભૂષણ પુરસ્કાર મળ્યા હતા, જે ભારત સરકાર દ્વારા આપવામાં આવતા ત્રીજા અને બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન છે. તાતાને ૨૦૦૬માં મહારાષ્ટ્રમાં જાહેર વહીવટમાં તેમના કાર્ય માટે ‘મહારાષ્ટ્ર ભૂષણ’ અને આસામમાં કેન્સરની સંભાળને આગળ ધપાવવામાં તેમના યોગદાન બદલ ૨૦૨૧માં ‘આસામ વૈભવ’ જેવા વિવિધ રાજ્ય નાગરિક સન્માનો પણ પ્રાપ્ત થયા છે. ઓર્ડર આૅફ આૅસ્ટ્રેલિયા (૨૦૨૩) પણ મળ્યો હતો.
આપે અંતિમ શ્વાસ લીધા ત્યારે સ્વર્ગવાસમાં આપની હયાતી એ માનવનું પૂણ્ય અને પરોપકારી જીવ દેખાય છે. આપે બિઝનેસમેન તરીકે નહીં પરંતુ પરોપકારી ઉદ્યોગપતિ તરીકે વિશ્વમાં ભારતની ઓળખ ઊભી કરી છે. મારા આટલા વર્ષના જીવનકાળમાં મેં માત્ર એક માણસ એવો જોયો કે જેના મરણ પછી માત્રને માત્ર વખાણ સાંભળવા મળ્યા. આ એક માણસ એવો મળ્યો કે જેમાં બધાં જ સદગુણ હતાં. આ એક માણસ એવો હતો કે જે દેશ, માનવકલ્યાણ માટે જ જીવતો હતો. સતયુગના ભીષ્મને આજે પણ યાદ કરીએ છીએ. રતન ટાટા આ યુગના ભીષ્મ જ ગણાયને! આપણા સૌ માટે એક ‘ માઈલ સ્ટોન’ પ્રસ્થાપિત કરીને ગયા છે કે જીવન આવું અને આવી રીતે જીવાય. આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ પણ દિશા તો એ જ રાખીએ. હે રતન તાતા હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમો જનમ અવતાર. આપના માટે સ્વર્ગના બધા દરવાજા ખુલ્લા હશે. પણ ઈશ્વરને મળી, નવી શક્તિનો સંચાર મેળવી શક્ય એટલા વહેલાં
પૃથ્વી પર પાછા પધારો. આ પૃથ્વી ત્રીજા વિશ્વયુધ્ધના મેદાનમાં પગ મૂકવા જઈ રહી છે. એને ફરી બેઠી કરવા તમારી જેવા હાડ ચામ અને હામવાળા માણસની જરૂર પડશે. તમે આવશો ત્યાં સુધી અમારી જેવા અનેક નાના લોકો માનવતાના કોડિયાંને સાચવવા મથતાં રહીશું.
એક કર્મયોગી ઉદ્યોગપતિ ભામાશા બનીને વીરગતિ પામ્યા તેવા રતન તાતા અનેક લોકોના આંખમાં અશ્રુભીની લાગણી વહાવીને ૮૬ વર્ષની ઉંમરે ૯ આૅક્ટોબર ૨૦૨૪ની મોડી રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે તેમનું નિધન થયું. દાનના એક યુગની સમાપ્તિ થઈ હોય તેવું પ્રતિત થાય છે. આ ભારતની ભૂમિએ આવા રતનને જન્મ આપ્યો છે. તેને વંદન કરુ છુ. આ લેખના શબ્દોથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. Mo.૯૮૨૫૭૦૨૨૮૨