ગીર પૂર્વ વન વિભાગની રેન્જમાં સામાન્ય નાગરિકોને મોબાઈલ લઈ જવાની મનાઈ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે જાગૃત નાગરીકોએ આર.એફ.ઓ પાસે માંગણી કરતા તેઓએ પરીપત્ર આપવાની ના પાડી હતી. ધારીના જાગૃત પત્રકાર અરવિંદભાઈ દવે હડાળા રેન્જમાં જતા હતા ત્યારે ચેકપોસ્ટ ઉપર યુનિફોર્મ વગર ફરજ બજાવનાર કર્મચારીઓએ મોબાઈલ ન લઈ જવા કહેલ અને પછી આરએફઓ સાથે વાત કરતા તેમણે મોબાઈલ અને પત્રકારોને પણ અંદર જવાની ચોખ્ખી ના કહીને ઉડાઉ જવાબ આપેલ. અગાઉ આ આરએફઓએ ધારાસભ્યના ખાસ ટેકેદાર સાથે પણ જીભાજોડી કરીને ખોટી રીતે દંડ વસુલ કરેલ હોવાનું લોકોમાંથી જાણવા મળેલ છે. આ દરમિયાન એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે હડાળામાં ૨૦૦થી વધુ નાગરિકોનો વસવાટ છે અને ત્યાં પાકા મકાન પણ નિયમ વિરુદ્ધ બની ગયા છે. આથી ડીસીએફ દ્વારા સમગ્ર બનાવ અને આરોપોની તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે.