ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ બંધ થઈ શકે છે. બે અધિકારીઓએ કહ્યું છે કે હમાસે ગાઝા યુદ્ધવિરામ અને બંધકો અંગેના ડ્રાફ્ટ કરારનો સ્વીકાર કરી લીધો છે. ઇઝરાયલ હજુ પણ આ કરાર પર વિચાર કરી રહ્યું છે. અધિકારીઓએ સોમવારે પણ યુદ્ધવિરામ અંગે માહિતી આપી હતી. યુદ્ધવિરામ વાટાઘાટોમાં પ્રગતિનો સ્વીકાર કરતા, ત્રણેય અધિકારીઓએ કહ્યું હતું કે આગામી દિવસો ૧૫ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ રહેશે જેણે પશ્ચિમ એશિયાના મોટાભાગના ભાગને અસ્થિર બનાવ્યો છે.
યુનાઇટેડ સ્ટેટ્સ, ઇજિપ્ત અને કતારે ગયા વર્ષના ૧૫ મહિનાના યુદ્ધનો અંત લાવવા અને ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસના હુમલામાં લેવામાં આવેલા ડઝનબંધ બંધકોને મુક્ત કરાવવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો છે. ગાઝામાં હજુ પણ લગભગ ૧૦૦ ઇઝરાયલી બંધકો છે અને લશ્કર માને છે કે તેમાંથી ઓછામાં ઓછા ત્રીજા ભાગના લોકો મૃત્યુ પામ્યા છે.
વાટાઘાટોથી પરિચિત એક વ્યક્તિએ જણાવ્યું હતું કે રાતોરાત એક સફળતા મળી છે અને કરારનો પ્રસ્તાવિત ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. વ્યક્તિએ કહ્યું કે ઇઝરાયલી અને હમાસ વાટાઘાટકારો હવે તેને અંતિમ મંજૂરી માટે પોતપોતાના નેતાઓને મોકલશે. વ્યક્તિએ એમ પણ કહ્યું કે ગલ્ફ દેશ કતારના મધ્યસ્થીઓએ હમાસ પર સોદો સ્વીકારવા માટે નવેસરથી દબાણ કર્યું છે, જ્યારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ ઇઝરાયલીઓ પર દબાણ કરી રહ્યા છે. વિટકોફ તાજેતરમાં જ વાટાઘાટોમાં જાડાયા છે અને તાજેતરના દિવસોમાં તે આ વિસ્તારમાં છે.
ઇજિપ્તના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામ પર સારી પ્રગતિ થઈ છે, પરંતુ તેમાં થોડા વધુ દિવસો લાગવાની શક્યતા છે. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે બંને પક્ષોનો ઉદ્દેશ્ય ૨૦ જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તે પહેલાં એક કરાર પર પહોંચવાનો છે.