છ મહિના પહેલા ઇઝરાયલે તેમના મૃત્યુની જાહેરાત કર્યા બાદ, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે તેની લશ્કરી પાંખના વડા મોહમ્મદ દેઇફના મૃત્યુની પુષ્ટિ કરી છે. હમાસે દેઈફ વિશે આ પહેલું નિવેદન આપ્યું છે, જ્યારે ઇઝરાયલી સેનાએ ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે દેઈફ એક મહિના પહેલા દક્ષિણ ગાઝામાં હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.
હમાસે દેઈફના મૃત્યુની પુષ્ટિ કરતાં તેમની સ્થિતિ અંગે મહિનાઓથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો. દેઈફ કથિત રીતે ૭ ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલાનો મુખ્ય સૂત્રધાર હતો. આ હુમલાને કારણે ગાઝામાં યુદ્ધ શરૂ થયું. મોહમ્મદ દેઈફ ઘણા વર્ષોથી ઇઝરાયલના મોસ્ટ વોન્ટેડ લોકોની યાદીમાં ટોચ પર હતો.
ગયા વર્ષે ઇઝરાયલી સેનાએ દેઇફને મારવાના પ્રયાસમાં ગાઝાના દરિયાકાંઠાના વિસ્તાર પર ભારે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે તેણે હુમલામાં ડેઇફને મારી નાખ્યો છે. જાકે, હમાસે મૃત્યુની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી. ૨૦૧૪ માં ઇઝરાયલી હવાઈ હુમલામાં દેઇફની પત્ની અને તેનો બાળક પુત્ર માર્યા ગયા હતા.