હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતના હીરો બનેલા નાયબ સિંહ સૈનીએ ગુરુવારે એક ભવ્ય સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે પંચકુલાના દશેરા મેદાનમાં અન્ય ૧૩ મંત્રીઓ સાથે સૈનીને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. હરિયાણાની નવી કેબિનેટમાં ખાસ વાત એ છે કે તેમાં સામેલ તમામ મંત્રીઓ કરોડપતિ છે અને કોઈની સામે કોઈ ક્રિમિનલ કેસ નથી.
‘એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ્સ’ એટલે કે એડીઆરએ માહિતી આપી હતી કે હરિયાણાના તમામ નવનિયુક્ત મંત્રીઓ કરોડપતિ છે અને તેમની સરેરાશ સંપત્તિ ૩૦.૮૦ કરોડ રૂપિયા છે. એડીઆરના અહેવાલ મુજબ, કોઈપણ મંત્રીએ જાહેર કર્યું નથી કે તેમની સામે કોઈ ફોજદારી કેસ નથી. એડીઆર અને હરિયાણા ઈલેક્શન વોચે મુખ્યમંત્રી નયબ સિંહ સૈની સહિત તમામ ૧૪ મંત્રીઓના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. રિપોર્ટ અનુસાર, વિશ્લેષણમાં સામે આવ્યું છે કે તમામ ૧૪ મંત્રીઓ કરોડપતિ છે અને તેમની સરેરાશ સંપત્તિ ૩૦.૮૨ કરોડ રૂપિયા છે.
એડીઆરનું કહેવું છે કે સૌથી વધુ સંપત્તિ શ્રુતિ ચૌધરી પાસે છે, જે પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલની પૌત્રી છે. તોશામ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા શ્રુતિ ચૌધરીની સંપત્તિ ૧૩૪.૫૬ કરોડ રૂપિયા છે. સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રી શ્યામ સિંહ રાણા છે જેમની પાસે ૧.૧૬ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ રાદૌર મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રિપોર્ટ અનુસાર, મુખ્યમંત્રી સૈની પાસે ૫ કરોડ રૂપિયા અને ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજ પાસે ૧.૪૯ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
અન્ય મંત્રીઓની વાત કરીએ તો વિપુલ ગોયલે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે જ્યારે આરતી રાવ ૬૮ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. ૧૦ મંત્રીઓએ જાહેર કર્યું છે કે તેમના પર દેવું છે. તેમાંથી શ્રુતિ ચૌધરી પર સૌથી વધુ ૧૩.૩૭ કરોડ રૂપિયાનું દેવું છે. ૩ મંત્રીઓએ જાહેર કર્યું છે કે તેઓ ૧૨મું પાસ છે જ્યારે ૧૧એ કહ્યું છે કે તેઓ ગ્રેજ્યુએશન કે તેથી વધુ ભણેલા છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ ગ્રેજ્યુએટ છે.