તિરંગો દેશની આન, બાન અને શાન અને બલિદાનનુ પ્રતીક છે. તેના કારણે બધા ભારતવાસી સુરક્ષિત અને ગૌરવાન્વિત અનુભવે છે. આ તિરંગાના ત્રણ રંગમાં સૌથી ઉપર કેસરિયો હોય છે વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. તિરંગો દેશની ગરીમા છે. દેશના ક્રાંતિકારીઓ અને જવાનો જ્યારે અંગ્રેજો સામે લડત લડતા હતા ત્યારે તેમનો મુખ્ય ધ્યેય હતો કે લાલ કિલ્લા ઉપરથી યુનિયન જેકની જગ્યાએ મારા દેશનો તિરંગો ફરકવો જોઈએ.
માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહુતિ આપી તેના કારણે આપણે આજે સૌ સ્વતંત્રતાનો શ્વાસ લઈ શકીએ છીએ. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આપણો દેશ આઝાદ થયો. ઉમાશંકર જોશીએ કહ્યું છે કે “દેશ આઝાદ થતા તો થઈ ગયો તે શું કર્યું ?”તિરંગા ઊંચા રહે હમારા આ શબ્દો દરેક ભારતીયનું ગૌરવ છે.
તિરંગા માટે ચુસ્ત બંધારણીય નિયમો બનાવવામાં આવ્યાં છે. તે પ્રમાણે તેનો આદર અને સત્કાર કરવો દરેક નાગરિકની નૈતિક ફરજ છે. વર્લ્ડ કપ હોય કે અન્ય રમત હોય જ્યારે વિજેતા ટીમ પોતાના ઉત્સાહ સાથે તિરંગાને ફરકાવે છે. તિરંગો આપણા દેશનું ગૌરવ છે. ૭૮ મા સ્વતંત્ર દિવસે હર ઘર તિરંગા આ દેશનું સ્વાભિમાન છે.
દેશનો જવાન સરહદ ઉપર લડત લડતા વીરગતિ પામે તેને તિરંગામાં લપેટી આર્મીના નિયમ મુજબ તોપોની સલામી આપવામાં આવે છે. પ્રોટોકોલથી તેના દેહને અગ્નિ આપવામાં આવે છે. આ દેશ વીરોનો છે. હર ઘર તિરંગા વિશે ભારત સરકારનો અદભુત પ્રયાસ છે. સાતથી પંદર ઓગસ્ટ સુધી દેશમાં દરેક સરકારી, ખાનગી અને જાહેર સંસ્થાઓમાં હર ઘર તિરંગાનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે. જેથી ભાવિ પેઢી તિરંગાનું મૂલ્ય અને મહત્વ સમજે. રાષ્ટ્રપતિથી માંડીને સામાન્ય નાગરિક તિરંગાને સલામી આપે છે. તિરંગો મારા દેશની ગરીમા અને ગૌરવ છે.
તિરંગા માટે નિયમો છે. તિરંગો ધરતી પર અડવો ન જોઈએ. રાષ્ટ્રીય ધ્વજથી કોઈ બીજો ઝંડો ઉંચો નહી રાખી શકાય. તિરંગાનો ઉપયોગ કોઈ પણ પ્રકારની સજાવટ માટે કરી શકાશે નહિ. તિરંગાનું નિર્માણ હમેશા આયાતકાર હશે. જેનો અનુપાત ૩ઃ૨ નક્કી છે. તેમજ સફેદ પટ્ટીના વચ્ચે સ્થિત અશોક ચક્રમાં ૨૪ આરા હોવા જરૂરી છે. આ વાતની કાળજી હમેશા રાખવી કે કોઈ પણ રીતે આપણા તિરંગાનું અપમાન થવું જોઈએ નહિ. ઝંડા પર કંઈ પણ લખવું ગેરકાયદેસર છે. કોઈ પણ ગાડીની પાછળ, પ્લેન કે વહાણમાં તમારી ઈચ્છાથી તિરંગો લગાવી શકાશે નહિ. કોઈ સામાન, બિલ્ડીંગ વગેરેને ઢાંકવા માટે તેનો ઉપયોગ નહી કરી શકાય.
સ્વતંત્રતાના દિવસે અને ગણતંત્ર દિવસે લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદર સાથે ફરકાવાય છે અને ૨૧ તોપની સલામી અપાય છે. સેના ભારતીય ધ્વજનું સમ્માન કરે છે.
ભારતીય રાષ્ટ્રધ્વજના દરેક રંગ શું સંદેશ આપે છે? ભારતના રાષ્ટ્રીય ધ્વજને દેશના સંવિધાન સભાએ ૨૨ જુલાઈ ૧૯૪૭એ પસંદ કર્યો હતો. તે દિવસથી હિંદુસ્તાનનો આધિકારિક ધ્વજ બની ગયો. વર્ષ ૧૯૪૭થી લઈને આજ સુધી ભારતીય ધ્વજ તે જ રીતે ફરકાવાય છે. તેના ઉપર કેસરિયો રંગ પછી સફેદ અને નીચે લીલો રંગ રહે છે. ૨૪ આરાનું અશોક ચક્ર છે.
કેસરિયો રંગ જે બલિદાનનું પ્રતીક છે. આ રંગ રાષ્ટ્રના પ્રત્યે હિમ્મત અને નિઃસ્વાર્થ ભાવનાઓને જણાવે છે. આ રંગ બૌદ્ધ, જૈન જેવા ધર્મો માટે ધાર્મિક મહત્વનો રંગ છે અને કેસરિયો રંગ બધા ધર્મોના અહંકારને મુક્તિ અને ત્યાગનો સંદેશ આપે છે અને લોકોમાં એકતા બનાવવાની સાથે શૌર્ય અને સમર્પણનું પ્રતીક ગણાય છે.
સફેદ રંગ ભારતીય ઝંડાની વચ્ચે રહે છે. સફેદ રંગ જે શાંતિ અને ઈમાનદારીનું પ્રતીક ગણાય છે. ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ સફેદ રંગને સ્વચ્છતા અને જ્ઞાનનું પણ પ્રતીક ગણાય છે. સફેદ રંગથી સચ્ચાઈની રોશની મળે છે સફેદ રંગથી આ બોધ મળે છે કે માર્ગદર્શન અને સત્યના રસ્તા પર હમેશા ચાલવું જોઈએ.
તિરંગાનો સૌથી નીચે લીલો રંગ દર્શાવે છે કે વિશ્વાસ, હરિયાળી ક્રાંતિ અને સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક છે. દર્શનશાસ્ત્ર મુજબ લીલો રંગ ઉત્સવનો રંગ છે. જે જીવનની ખુશીઓને વ્યક્ત કરે છે. લીલો રંગ ભારતમાં હરિયાળી ક્રાંતિને દર્શાવે છે અને આ ભારતના રાજનીતિક નેતાઓને યાદ અપાવે છે.
આ ઉપરાંત વચ્ચે આવેલું અશોક ચક્ર એ એકતાનું પ્રતિક છે. એ દર્શાવે છે કે દેશનાં તમામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ.
તિરંગા યાત્રાની એક લહેર જન માનસના હૃદયમાં અંકિત થાય, લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત બને, તિરંગાનું મૂલ્ય સમજે, પોતાના ઘરે અથવા ઓફિસે તિરંગાને ફરકાવે અને તે પ્રમાણે તેનું સંવર્ધન કરે તે હેતુસર હર ઘર તિરંગા અભિયાન દેશમાં ચાલવું અનિવાર્ય છે.
દેશના ક્રાંતિકારીઓએ આ દેશને આઝાદી આપવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. દિલ્હીના લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવવા માટે બંદૂકની ગોળીઓ સામી છાતીએ ઝીલી છે ત્યારે સ્વતંત્રતા મળી છે. શાળા, કોલેજ, મહાવિદ્યાલય વગેરેમાં ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના રોજ તિરગો અચૂક ફરકવો જોઈએ. કોલેજોમાં ફરજિયાત હાજરી અનિવાર્ય છે. વિદ્યાર્થીઓ માટે આ દિવસે કોઈ રજા હોય નહીં. આ દિવસે તો અચૂક આવવું જોઈએ. રાષ્ટ્રીય પર્વની ગરિમા જાળવવાનું કાર્ય દરેક નાગરિકે કરવું જ રહ્યું. મેં મેરે દેશ કો ઝુકને નહીં દૂંગા… તિરંગા મારા દેશની આન, બાન અને શાન છે. શાળાના બાળકોમાં અવેરનેસ ઊભી થાય તે માટે ચિત્ર સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા,
વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ, ઝંડા યાત્રા, તિરંગા શોભાયાત્રા વગેરે જેવા નવા થીમ થકી તિરંગાનું મૂલ્ય હર ઘર સુધી પહોંચે તેવા હેતુસર વિવિધ કાર્યક્રમો સ્વતંત્રતા દિવસ સુધી કરવા જોઈએ. દેશની પ્રજા આવા તહેવારોમાં વધારે જોડાય તે રીતે રાષ્ટ્રભાવના વ્યાપક બને, એકતામાં અનેકતા ઊભી થાય, લોકોમાં ભાઈચારાની ભાવના, દેશ પરત્વેની ભાવના વ્યાપક બને તેવા હર ઘર તિરંગાને જન જન સુધી પહોંચાડીએ તે જ રાષ્ટ્ર ભક્તિ… વંદે માતરમ… ભારત માતા કી જય Mo.૯૮૨૫૭૦૨૨૮૨