ગુજરાતથી પસાર થતા નેશનલ હાઇવે પર મુસાફરી મોંઘી બની છે. કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. કરજણ ટોલ પ્લાઝા પર ૬૭ ટકા જેટલો વધારો ઝીંકાયો છે. જેનો બોજા વાહન ચાલકો પર પડશે. રવિવારે મધરાતે ૧૨ વાગ્યાથી આ ભાવ વધારો અમલમાં મૂકાયો છે. જેની અસર અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને પડશે. હવે તેમની મુસાફરી મોંઘી બનશે.
ટોલદરમાં વધારાના કારણે અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોએ હવે ભરથાણા ટોલનાકા પર વધુ ટોલ ચૂકવવાનો રહેશે. કારના અગાઉ ૧૦૫ રૂપિયા વસૂલાતા હતા, હવે ભાવ વધારા સાથે રૂ ૧૫૫ ની વસુલાત કરવામાં આવશે. ભરથાણા ટોલ પ્લાઝાથી ૨૦ કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઈ છે. મહિને ૩૪૦ રૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે.
ભરથાણા ટોલનાકા પર પહેલા કાર, જીપ અને વાનના ૧૦૫ રૂપિયા લેવામાં આવતા. તેની જગ્યાએ હવે આ વાહનના ચાલકોએ ૧૫૫ ચૂકવવા પડશે. રિટર્ન ટોલ ૨૩૦ રૂપિયા થશે
એલસીવી વાહનના ચાલકો પાસેથી અત્યાર સુધી ૧૮૦ રૂપિયા વસૂલાતા હતા. તેની જગ્યાએ હવે ૨૪૫ ચૂકવવાના રહેશે.
માસિક પાસના ૫૦૮૫ ચૂકવવાના રહેશે. રિટર્ન ટોલ ૩૭૦ થશે અને માસિક પાસના ૮૨૧૫ રૂપિયા થશે.
બસ અને ટ્રકના ચાલકો પાસેથી અત્યાર સુધી સિંગલ સાઈડના ૩૬૦ રૂપિયા વસૂલાતા, તેની જગ્યાએ હવે વધીને ૫૧૫ ચૂકવવા પડશે.
રિટર્ન લેવામાં આવે તો ૭૭૫ ચૂકવવાના રહેશે. જ્યારે માસિક પાસના ૧૭,૨૧૦ ચૂકવવાના રહેશે.
આમ, જો તમે અમદાવાદથી મુંબઈ જવા નીકળો છો, તો તમને હવે વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. ગુજરાતમાં અનેક રસ્તાઓને પહોળા કરવાની તથા, સિક્સ લેન બનાવવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. જેથી વધારે રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે.