રાખનાં રમકડાં
“ખૂબ ખૂબ, અતિશય….! હૃદયથી તને ચાહુ છું, હૃદયથી તને પ્રેમ કરૂં છું અને શરીરથી તને તૃપ્ત કરતાં વધુ તૃપ્તિ હું અનુભવુ છું…જ્યોતિ..” ભાવવિભોર થઇ જઇ દામલ બોલ્યો.
“ તારી આવી અલંકારિક ભાષા મને ન સમજાય તો માફ કરજે. હવે સાવ સાદી અને સરળ ભાષામાં બોલે તો તું મારો દામલ…”
“હું તને મારા જીવ કરતાં પણ વધારે તને.. તને.. ને તને જ પ્રેમ કરૂં છું…!”
“ તો સાંભળ: મેં તો સાંભળ્યું છે કે પ્રેમ એક જુનૂન છે, તેમાં રચ્યા પચ્યા રહેવાથી માનવ સુસાઇડ એટલે કે આપઘાત કે આત્મહત્યા પણ કરી બેસે છે…” જ્યોતિ બોલી.
“કદાચ એ સત્ય હોય શકે, એમાં હું કયા ના પાડું છું…?” દામલે કહ્યું.
“તું ના પાડે કે ના ન પાડે, એથી શું ? પરંતુ હૃદયથી હૃદયને સ્પર્શતો મધુર અહેસાસ એટલે પ્રેમ ! જે રીતે સુગંધને આપણે છુપાવી નથી શકતા એવી જ રીતે બીજાની નજરથી પ્રેમ દૂર રાખવો એ અશકય વાત છે. વહેલા – મોડા આપણા પ્રેમની વાત જાહેર થાય તો…?”
“એવું નહીં થાય જ્યોતિ, એવું કયારેય નહીં થાય…” તરત જ દામલ બોલ્યો..
“બસ…, એવું ન થાય એટલે તો તને કહું છું કે, તારે મને વચન તો આપવું જ પડશે…”
“વચન…? પ્રેમમાં વળી વચન ?”
“હા…, એક વચન…”
“માગી લે, તું કહે તે વચન આપવા હું તૈયાર છું, કહે તું…”
“પહેલાં મને સાંભળી લે: પ્રેમ નામનો સંબંધ લોહીના સંબંધથી અનેક ગણો મહાન છે. તારા અને મારા જીવનમાં ગમે તેવી પરિસ્તિથિ ભલે બદલાય પરંતુ, સાચો પ્રેમ બદલાતો નથી. પ્રેમને કોઇ આકાર જ નથી. પ્રેમનો સંબંધ માત્ર દિલ સાથે નહીં પણ આત્મા સાથે જોડાયેલ હોય છે. પ્રેમ એટલે ત્યાગ, પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ એટલે સ્વીકાર, પ્રેમ એટલે દિવ્ય અહેસાસ, પ્રેમ એટલે અલૌકિક અનુભૂતિ, પ્રેમ એટલે પરમનું સાંનિધ્ય, પ્રેમ એટલે જ એક પ્રકારની ભક્તિ, પ્રેમ એટલે જ આરાધના, પ્રેમ એટલે પૂજા, પ્રેમ એટલે ઓગળી જવું અને પ્રેમ એટલે એકાકાર થઇ જવું…” કંઇ અનેરા જુસ્સાથી આવું ને આટલું બધુ એકધારૂં જ્યોતિ બોલી… દામલ તો દંગ થઇ ગયો. એટલે તો સાવ નરમ – નમ્ર અવાજે દામલે કહ્યું:
“ હા… જ્યોતિ હા…, તું જે કંઇ બોલી તે બધુ જ સત્ય છે, સત્ય છે હું બધુ જ સ્વીકારવા તૈયાર છું. પરંતુ તને તો હું કયારેય છોડીશ નહીં. અરે.., હું પાગલ બની જઇશ પણ તારો સાથ તો નહીં જ છોડું…”
“પરંતુ…. એવા સંજાગો પેદા થયે, જરૂર પડ્યે મને છોડવી પડે તો..?”
“તો છોડી દઇશ, જા…હું તને વચન આપુ છું. પરંતુ બીજું કોઈ નહીં પણ તું કહીશ તો તને આઝાદ કરી દઇશ. પરંતુ એ પણ સાંભળી લે: તને છોડયા પછી હું તો સાચે જ પાગલ બની જઇશ…”
“એવું ન બોલ દામલ…! આ તો દુનિયા છે. આ આખો કહેવાયેલો સમાજ જ વિચિત્ર છે, અને વિચિત્ર રહ્યો છે. પરંતુ એવી કોઇ પરિસ્તિથિ ઉદભવે ને તો…. તો.., તારે મને ભૂલી જવી પડે. મારે પણ તને ભૂલવો પડે. મારી આ વાત તને સમજાય છે ?”
“હા, બધું જ સમજુ છું હું. મેં તો તને હૃદયથી પ્રેમ કર્યો છે. હવે તો તારા સુખ ખાતર હું મારી જાતને સળગાવવા તૈયાર છું, મરવા માટે પણ તૈયાર છું. તારૂં દુઃખ હું કદી જાઇ ન શકુ. કારણ માત્ર એટલું જ કે, મેં તને ચાહી છે, તને પ્રેમ કર્યો છે, મરતાં સુધી મારી ચાહત તો જીવંત અને અમર જ રહેશે…”
“બસ દામલ બસ ! એવો સમય આવશે ત્યારે તારે અને મારે જરાપણ ડગવાનું નથી. કારણ કે પ્રેમનું ભોજન જ પીડા છે, અને આકર્ષણનું ભોજન બળતરા છે. પ્રેમમાં બધું જતું કરીએ તો પણ ઘણું મળે છે. એટલે તો પ્રેમ એટલે સમર્પણ ! સમર્પણ…! વળી એવું પણ કહેવાય છે કે પ્રેમ સાથે પીડા પરણીને જ આવે છે. તેથી તો પીડા સહન કરવાની તૈયારી તો રાખવી જ રહી…” જ્યોતિએ ઘણું ઘણું કહ્યું.
ત્યાં તો, દામલે આંગળી ચીંધી કહ્યું: “લે…, આપણી નિશાળનો દરવાજા પણ આવી ગયો. હવે અધૂરી રહેલી વાત ફરી કયારેક…”
જ્યોતિ ચૂપ, દામલ પણ ચૂપ, ચૂપચાપ બન્ને શાળાના દરવાજામાં દાખલ થયા.
(ક્રમશઃ)