હાલોલમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક બેગ નું ઉત્પાદન કરતી કંપનીઓ પર દરોડા પાડવામાની કામગીરી હજી પણ જારી છે. હાલોલ જીઆઇડીસીમાં આવેલી સિંગલ યુઝમાં ૧૨૦ માઇક્રોનથી ઓછા માઇક્રોનવાળી પ્રતિબંધિત કેરી બેગનું ઉત્પાદન કરતી કેરીબેગ કંપનીઓ સામે સોમવારથી શરૂ થયેલી કાર્યવાહી બુધવારે પણ ચાલુ રહી હતી.
હાલોલ જીઆઇડીસીમાં આવેલ વિનાયક એસ્ટેટ સાથરોટા ખાતે આવેલી પાંચ કંપનીઓમાં સોમવારે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ૨૫૦ ટન જથ્થો ઝડપવામાં આવ્યો છે. હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારીની આગેવાની હેઠળ મામલતદાર, જીપીસીબી અને પોલીસની સંયુક્ત ટીમે આ દરોડા પાડ્યા છે. સતત બીજા દિવસે તેણે ચેકિંગની કામગીરી જાળવી રાખી છે. આ બતાવે છે કે કેટલા મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનું ઉત્પાદન થાય છે.
દરોડા પાડનારી ટુકડીએ કબ્જે કરેલા પ્રતિબંધિત પ્લાસ્ટીકના જથ્થાને હાલમાં હાલોલ પાલિકા ભવનની બાજુમાં આવેલા કમ્યુનિટી હોલ ખાતે એકત્રિત કરવામાં આવ્યો છે. પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે બે દિવસની કામગીરીમાં લગભગ ૧૨ કરોડની કિંમતનો કુલ ૬૫૦ ટન જેટલો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આજે દિવસમાં જે પાંચ પ્રતિબંધિત કંપનીઓમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટીકનો જથ્થો ઝડપાયો છે તે બધી કંપનીઓને ક્લોઝર નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ કંપનીઓમાં તપાસ ચાલુ છે.
ચેકિંગની કામગીરી કરવા ગયેલી પાલિકા અને પોલીસની ટીમને કામગીરીમાં અવરોધરૂપ બનનારા અને પથ્થરમારો કરનારા કંપનીના સંચાલક સહિત ૩૫ શખ્સો સામે હાલોલ પોલીસે ગુનો નોંધ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટીકને જપ્ત કરવાની કામગીરી દરમિયાન પ્લાસ્ટીક ભરેલા વાહનો ભાગી ન જાય તે માટે ટ્રેક્ટરની આડશ મૂકવામાં આવી હતી.
દરમિયાન એક કંપનીના સંચાલક મહાવીર જૈન તેમજ અન્ય ૩૫ જેટલા શખ્સો ૨૦થી ૨૫ જેટલી બાઇક પર આવ્યા હતા અને ટ્રેક્ટર આડું કેમ મૂક્યું છે તેમ કહી ધમકીભરી ભાષામાં વાત કરવા લાગ્યા હતા. તેઓએ આમ કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યુ હતું. આના પગલે પોલીસ અને પાલિકાના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. મહાવીર જૈન અને તેના માણસો ચેકિંગ જ નહીં કરવા દઈએ તેમ કહેતા હતા અને ફેક્ટરી બંધ નહીં કરવા દઈએ તેમ કહેતા હતા. આમ કહીને તેમણે સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરતા તેમની સામે કેસ નોંધાયો હતો.