હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં બી-૧ બ્લોકમાં રહેતી બે મહિલાની લાશ મળી હતી. સ્ટાફ ક્વાર્ટર્સના ભોંયતળિયે મહિલાના મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તપાસ હાથ ધરતાં પોલીસ મહિલા ક્વાર્ટર્સમાં મૃતક મહિલાના ઘરે પહોંચી હતી. તેની સામે જ રૂમ નં.૪૦૨માં અન્ય એક મહિલાની લાશ પડી હોવાની જાણ થઈ હતી. હિંમતનગર એ-ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. બી-૧ બ્લોકમાં રૂમ નં. ૪૦૨માં રહેતાં ડિમ્પલબેનનો મૃતદેહ તેમના જ ઘરમાં મળ્યો, જ્યારે બી-૧ બ્લોકના રૂમ નં. ૪૦૧માં રહેતાં છાયાબેનનો મૃતદેહ ૪૦૨ રૂમના બહારની તરફ જમીન પરથી મળ્યો હતો.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર્સના બી-૧ બ્લોકમાં ૪૦૨ રૂમના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ૪૦૧માં રહેતી મહિલા નર્સ છાયાબેન કલાસવાની લાશ મળી આવી હતી, જે અંગે સ્થાનિકોને જાણ થતાં એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. પોલીસ વિભાગ પ્રથમ તો આત્મહત્યાની થિયરી હોવાની લઈને તપાસ હાથ ધરી હતી, પરંતુ તપાસ દરમિયાન તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળી આવેલા મૃતક મહિલાના રૂમ પર પહોંચ્યા હતા. એ દરમિયાન જ તેની સામેના ૪૦૨ રૂમમાં વધુ એક મહિલા ડિમ્પલબેન ભાવેશભાઈ પટેલની લાશ મળી આવી હતી, જેને લઇને સમગ્ર ઘટના શંકાસ્પદ લાગી રહી છે. પોલીસની તપાસની દિશા બદલાઈ છે. વિવિધ એજન્સીઓ અને પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે છાયાબેન કલાસવા વર્ષ ૨૦૧૭થી ફરજ બજાવતાં હતાં, જેઓ બી ૧-બ્લોકમાં ૪૦૧ નંબરના રૂમમાં રહેતાં હતાં અને તેમના પતિ નીતિનભાઈ અમદાવાદ સિવિલમાં સ્ટાફ બ્રધરમાં ફરજ બજાવે છે. તેમના પરિવારમાં એક ૬ વર્ષીય દીકરો શિવાંગ ધો-૧માં ગ્લોરિયસ પબ્લીક સ્કૂલમાં અભ્યાસ કરે છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તરીકે માનસિક વિભાગમાં ભાવેશભાઈ પટેલ ફરજ બજાવે છે. જ્યારે તેમની પત્ની ડિમ્પલબેન ભાવેશભાઈ પટેલ જે ઘરે બાળકોને ટ્યૂશન કરાવતાં હતાં, તેમને પરિવારમાં એક દીકરી ૮ વર્ષની ધારવી છે.