હાલ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક મસ્જીદના નિર્માણને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. આ સમગ્ર વિવાદ એક શખ્સ પર મારપીટ થયા બાદ થયો હતો. થોડા દિવસો પહેલા શિમલાના સંજૌલીના માલ્યાણામાં મારપીટનો મામલો સામે આવ્યો હતો. અહીં એક સ્થાનિક વ્યકતીને ચોક્કસ સમુદાયના લોકોએ માર માર્યો હતો. આ તમામ યુપીથી અહીં લાવવામાં આવ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરી હતી. પરંતુ લોકોએ સંજૌલી મસ્જીદની બહાર પ્રદર્શન કર્યું અને કહ્યું કે અહીં ગેરકાયદે બાંધકામ થયું છે. આ બાબતે હોબાળો થયો હતો. વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ આ મામલે હંગામો થયો હતો. કોંગ્રેસના મંત્રી અનિરુદ્ધ ઠાકુરે આ મામલે વિધાનસભામાં રિપોર્ટ રજૂ કર્યો હતો અને આ મસ્જીદને ગેરકાયદેસર ગણાવી હતી. અનિરુદ્ધના આ નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ હવે વળતો પ્રહાર કર્યો છે.
અનિરુદ્ધ સિંહના નિવેદનનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા ઓવૈસીએ પૂછ્યું છે કે, હિમાચલમાં ભાજપ કે કોંગ્રેસની સરકાર છે? હિમાચલની ‘પ્રેમની દુકાન’માં નફરત જ નફરત! ઓવૈસીએ આગળ લખ્યું છે કે, આ વીડિયોમાં હિમાચલ કોંગ્રેસના આ મંત્રી બીજેપીની ભાષા બોલી રહ્યા છે. હિમાચલના સંજૌલીમાં એક મસ્જીદ બની રહી છે, તેના નિર્માણને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
ઓવૈસીએ કહ્યું કે, સંઘીઓના એક જૂથે મસ્જીદ તોડી પાડવાની માંગ કરી છે. સંઘીઓના સન્માનમાં કોંગ્રેસના મેદાનમાં આવી છે. ભારતીય નાગરિકો દેશના કોઈપણ ભાગમાં રહી શકે છે, તેમને ‘રોહિંગ્યા’ અને ‘બહારના’ કહેવા એ રાષ્ટ્ર વિરોધી છે. હું પ્રેમચંદની માફી માગું છું, પણ કોમવાદ ખુલ્લામાં આવતાં શરમ અનુભવે છે, તેથી કોંગ્રેસની શાલ ઓઢાડીને આવે છે.