માર્ચથી મે મહિના સુધી ઉનાળાની ગરમીનો પ્રકોપ હોય છે. સૂર્યદેવની ગરમી અસહ્ય બનતા ગામડાઓ અને શહેરોમાં ગરમી અને ગરમ પવન અનુભવાતા હોય છે. માનવીએ વિકાસ કરવા પાછળ પર્યાવરણનું નિકંદન કાઢી નાખ્યું છે. વૃક્ષો ગરમીને બેલેન્સ રાખી શકે છે. વાતાવરણમાં નીરવ સાનુકૂળતા વૃક્ષોના કારણે જોવા મળતી હોય છે. આજે વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે તેમ તેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વૈશ્વિક સમસ્યા વધી રહી છે. ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને પ્રદૂષણ થકી પર્યાવરણમાં ખલેલ પહોંચી છે. ટકાઉ વિકાસ વિના કોઈપણ દેશને ચાલશે નહીં. પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ સાથે મિત્રતા કરવાથી જ વાતાવરણમાં સમતોલન જાળવી શકાશે. આજે હીટવેવના કારણે અનેક લોકો મૃત્યુ પામે છે. ઉત્તર ગુજરાતમાં આવેલ ઇડર શહેર ગરમીના અગનગોળા છોડે છે. ઈડરિયા ડુંગર ઉપર સૂર્યનો સીધો તાપ પથ્થર ઉપર પડતા તાપમાન વધારે નોંધાય છે. શહેરોમાં ગગનચૂંબી બિલ્ડીંગોમાં એરકન્ડિશનર બહાર ગરમી કાઢે છે તેમજ કોમ્પલેક્ષમાં લગાવેલા કાચથી સૂર્યકિરણો રિફ્લેક્ટ થતા તેમજ વાહન વ્યવહાર અતિશય હોવાથી ગરમી વધુ અનુભવાય છે.
ઘણા રાજ્યો ગરમીની લપેટમાં છે. કેટલીક જગ્યાએ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે, જ્યારે દક્ષિણના રાજ્યોમાં તાપમાન ૪૨-૪૩ ડિગ્રીએ પહોંચી ગયું છે. દેશના ઘણા રાજ્યોમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ લેખમાં આપણે જાણીશું કે લૂ અથવા હીટવેવ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.
હીટવેવ એટલે શું? હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો છે જે સામાન્ય રીતે બે કે તેથી વધુ દિવસો સુધી ચાલે છે. જ્યારે તાપમાન જે-તે પ્રદેશની ઐતિહાસિક સરેરાશ કરતા વધી જાય છે, ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, જ્યારે મેદાનોમાં મહત્તમ તાપમાન ૪૦° ઝ્ર અને પર્વતીય પ્રદેશોમાં ૩૦° C સુધી પહોંચે છે ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે. જો તાપમાન ૪૭° સે સુધી પહોંચે છે, તો તેને ગંભીર હીટસ્ટ્રોક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં, જ્યારે તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે.
હીટવેવથી રક્ષણ જરૂરી છે. હાલ દેશમાં ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. આવા સંજોગોમાં ઉનાળાને કારણે રોગચાળાનો ભય પણ મંડરાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હીટસ્ટ્રોકથી બચવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો ગરમીને કારણે હીટસ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને ડાયેરિયા જેવી અનેક બીમારીઓનું જોખમ વધી જાય છે. પુખ્ત વયના હોય કે બાળકો, કોઈપણ વ્યક્તિ હીટવેવનો ભોગ બની શકે છે. આવી સ્થિતિમાં હીટવેવથી બચવાના ઉપાયો જાણવા જરૂરી બની જાય છે. તમારા શરીરને હાઇડ્રેટેડ રાખો. ઉનાળામાં પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવી સૌથી જરૂરી છે અને શરીરમાં પાણીની કમી ન થવા દો. આવી સ્થિતિમાં, તમારે તમારા શરીરની પાણીની જરૂરિયાત સતત એક યા બીજા માધ્યમથી પૂરી કરવી પડશે. ઉનાળામાં મોટાભાગના રોગો જેમ કે ઝાડા, એસિડિટી વગેરે ઓછું પાણી પીવાથી અને ખાવાની ખોટી આદતોને કારણે થાય છે. જ્યારે પણ તમે ઉનાળામાં ઘરની બહાર જાવ ત્યારે તમારી સાથે પાણીની બોટલ રાખો. તેમજ ઉનાળાની ઋતુમાં તરબૂચ, કાકડી, લીંબુ શરબત, ઓઆરએસ વગેરે પીણાંનો ઉપયોગ કરવો જોઈએ. મોસંબી, કાચી કેરી અને પાઈનેપલના જ્યુસનું સેવન કરવુ જોઈએ.
સોફ્ટ ડ્રિંક્સનું સેવન ટાળો, આપણામાંથી મોટાભાગના લોકોએ જોયું છે કે ઉનાળાની ઋતુમાં લોકો વધુ કાર્બોનેટેડ પીણાંનું સેવન કરે છે. તૈયાર બોટલમાં મળતા કોલ્ડિંક્સ પીવા જોઈએ નહિ. તેમાં મોટી માત્રામાં ખાંડ અને હાનિકારક પ્રિઝર્વેટિવ્સ હોય છે જે શરીર માટે હાનિકારક છે. સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરવાથી એક તરફ વજન વધે છે તો બીજી તરફ ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. પરંતુ જો સોફ્ટ ડ્રિંક્સને બદલે આપણે દેશી પીણાં જેવા કે લીંબુ શરબત, શિકંજી, નારિયેળ પાણી, લસ્સી કે છાશનો ઉપયોગ કરીએ તો તે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે અને શરીરમાં પાણીની કમી પણ પૂરી કરે છે. આ સિવાય ઉનાળામાં વેલાનો રસ શરીરને ગરમ પવનની અસરથી બચાવે છે.
વધુ પડતા તેલ-મસાલા અને તળેલા ખોરાકને ટાળો. ઉનાળાની ઋતુમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ ઋતુમાં ઓછું પાણી પીવાથી, વાસી ખોરાકનું સેવન કરવાથી બચવું જોઈએ, બજારની પેક કરેલી વસ્તુઓ, કોફી અને ચાનું સેવન પણ ઓછું કરવું જોઈએ. કોફી અને ચા ડિહાઈડ્રેશનની શક્યતા વધારે છે. આ સિવાય હળવો ખોરાક લેવો જોઈએ. જે ખોરાક સરળતાથી પચે છે તેનાથી એસિડિટીનું જોખમ પણ ઘણું ઓછું થઈ જાય છે. શહેરના લોકો હોટલનું ખાવાનું વધારે પસંદ કરતા હોય છે તેવા સમયે ઘરનો જ ખોરાક આરોગવાનો આગ્રહ રાખવો જોઈએ.
ઉનાળામાં બપોરે ૧૨ થી ૪ સુધી બિનજરૂરી બહાર નીકળવું જોઈએ નહીં. પાણી પુષ્કળ પીવું જોઈએ. છાંયડા વાળી જગ્યામાં નાના બાળકોને રમાડવા જોઈએ. બહાર જતી વખતે માથે હેલ્મેટ અથવા તો કોટનનું કપડું બાંધેલું હોવું જોઈએ. આંખ ઉપર ગોગ્લસ લગાવેલા હોવા અનિવાર્ય છે. હીટવેવ વખતે રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે તેનો ચુસ્ત અમલ કરવા માટે પ્રયત્ન કરીશું તો હીટવેવથી બચી શકીશું. રાજ્ય સરકાર આપણી ચિંતા કરતી હોય તો આપણે પણ તેનું પાલન કરવું જોઈએ. જે આજના સમયની માંગ છે. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨