આ પૃથ્વી ઉપર જન્મ મળવો એ સારા કર્મનું ફળ છે. મનુષ્ય તરીકે આ ધરા પર જ્યારે જીવન મળ્યું છે ત્યારે ગમે તેટલી આપત્તિ આવે તેવા સમયે ખુશ કઈ રીતે રહેવું તેની સંજીવની જે મનુષ્ય કેળવી લે તેને ક્યારેય પણ દુઃખી થવાનો વારો આવતો નથી.
સંસારના માર્ગમાં સુખ અને દુઃખ બંને આવવાના છે. તેવા સમયે સ્થિતપ્રજ્ઞ રહેવાની કેળવણી જે માનવીએ હસ્તગત કરી લીધી છે તે સુખી માણસ છે. હૃદય તો વિશાળ સાગર જેવું છે. તેમાં દુઃખ અને સુખ બંનેને સમાવીને અમૃત આપણે નિર્માણ કરવાનું છે.આપણા હૃદયમાં પવિત્ર ભાવ અને આત્મીયતાની ઉર્મિઓ જ્યારે વ્યક્ત કરવાની આવે તે સમયે હિંમત હાર્યા વગર આપત્તિના સમયે મક્કમ મનથી સામનો કરવો જ રહ્યો, તેમજ સુખ આવે ત્યારે દુઃખની અવગણના કરવી નહીં.
આ પૃથ્વી ઉપર કેટલાક માણસો માત્ર રોદણા રડતા હોય છે. મારા સિવાય બીજા કોઈને દુઃખ જ નથી. આવી બાબતો માણસને પરાસ્ત કરી દે છે. ગમે તેટલી આપત્તિ આવે તેનો સામનો કરવો એ જ અંતિમ માર્ગ છે. ઘણી વખત દિવ્યાંગ વ્યક્તિને પગ ન આપ્યા હોવા છતાં મક્કમ મને મુકામ સુધી પહોંચી જાય છે. અને જે લોકોને પગ હોય છે તે હવામાં તુક્કા મારે મારાથી નહીં પહોંચાય, હું થાકી જઈશ, પછી જઈશ, આવા બધા નકારાત્મક વિચારો થકી કુદરતે આપેલા પગનો સમયસર ઉપયોગ કરી શકતો નથી તેના કારણે તે મુકામ સુધી પહોંચી શકતો નથી. મુકામ સુધી પહોંચવા માટે મક્કમ મનથી આત્મવિશ્વાસ સાથે કદમ મિલાવવા પડે અને હિંમત હાર્યા વગર પરિશ્રમ કરવો પડે તો પહોંચાય.
સરદાર પટેલ અંગ્રેજો સામે હિંમત હારી ગયા હોત તો દેશને આઝાદી મળી હોત? ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને ચંદ્રશેખર આઝાદ આ બધા યુવા ક્રાંતિકારીઓ દેશની આઝાદી માટે અંગ્રેજો સન્મુખ સામી છાતીએ લડ્યા. જો તેમણે હૃદયમાં હિંમત ન રાખી હોત તો આજે તેમના નામનો ઈતિહાસ હોત? તેમના મનની અંદર રાષ્ટ્ર પરત્વેની રાષ્ટ્રભાવના લોહીના પ્રવાહમાં નિરંતર વહેતી હોવાથી દેશ માટે શહીદ થઈ ગયા. આવા ક્રાંતિકારીઓ હિંમતના કારણે દેશનું ગૌરવ બન્યા. અંગ્રેજો સામે અડગ રહીને દેશ માટે ઝઝૂમ્યા. આ ક્રાંતિકારીઓને અંગ્રેજોએ અનેક પ્રકારની પાશવી તકલીફો આપી તેમ છતાં દેશ માટે હૃદયમાં હિંમત સાથે તેમના ચહેરા ઉપર હાસ્ય થકી યુવાનોમાં રાષ્ટ્રભાવના માટે ખપી જવાની નૈતિક હિંમતનું નિર્માણ કરવામાં તેઓ સફળ બન્યા.
આજના ભૌતિકવાદમાં લોકોના માનસ શોર્ટ ટેમ્પર થઈ ગયા છે. સાહસ વિના સિદ્ધિ નહિ, તેમ હિંમત વિના હામ નહિ.. કેટલાક લોકોના ચહેરા સવાર સવારમાં જોવામાં આવે તો દિવસ બગડે તેવા કરમાઈ ગયેલા તેમજ ઉતરી ગયેલી કઢી જેવા હોય છે. કેટલાક લોકો નકારાત્મક પ્રાણવાયુથી જીવે છે એટલે જીવનમાં સિદ્ધિ મેળવી શકતા નથી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આટલી વ્યસ્તતા વચ્ચે રાષ્ટ્રસેવાના કાર્યમાં નિરંતર ખુશ રહે છે. કારણ કે જે વ્યક્તિના હૃદયમાં સારું કરવાની ભાવના હોય તેને કુદરત દ્વારા અમીપ શક્તિ પ્રાપ્ત થાય છે. આપણા વડવાઓ હંમેશા કહેતા હતા કે ક્યારેય પણ હિંમત હારવી નહીં. આજના છોકરાઓ છીપકલીથી ગભરાય છે. નાના બાળકોને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવવા માટે હકારાત્મક ભાવ સાથે તેમને કેળવવા પડશે. ઘણી વખત બાળક પડી જાય ત્યારે રાયનો પર્વત જેવી વાતો એની સન્મુખ વ્યક્ત કરીને દુર્બળ બનાવવાનો જનસમાજ દ્વારા પ્રયાસ થાય છે. શિક્ષકનું સાચું કામ મડદાઓને જીવંત કરવાનું છે. કેટલીક વખત શિક્ષકમાં જ હિંમત ના હોય તો બાળકોને કઈ રીતે કેળવી શકશે.? ખોટું કરવામાં જે હિંમત રાખીએ છીએ તે કાયરતા છે. સાચું કરવામાં જ હિંમત છે. સરદાર પટેલનું એક વાક્ય છે, ‘સાચું બોલતા ક્યારેય પણ ગભરાતા નહીં. કાળજુ સિંહનું રાખજો ક્યારેય કોઈથી ડરવાની જરૂર નથી.’ આવી પ્રબળ ભાવના હૃદયમાં હશે તો ચહેરા ખીલેલા જોવા મળશે. બાકી કેટલાક લોકો જીવતા હોવા છતાં મૃત હોય છે.
આધ્યાત્મિકતા અને સમજણ આજના સમયગાળા દરમિયાન અનિવાર્ય છે. હૃદયમાં પવિત્રતા અને પ્રેમાળતા સતત હોવી જોઈએ. એકબીજાના સુખમાં અને દુઃખમાં બંનેમાં સાથ આપવો તે જ મોટી કેળવણી છે. જીવનના મૂલ્યો એ જ સાચી કેળવણી છે. બાળકોમાં આત્મવિશ્વાસ અને હિંમત કંડારવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. દેશના જવાનો હિંમત દાખવીને દુશ્મનોને પરાસ્ત કરે છે. તેમના હૃદયમાં મા ભારતીની રક્ષા કરવાની તમન્ના હોય છે એટલે જ દેશ સલામતી અનુભવે છે. માટે જીવનમાં સારા નાગરિક બની હૃદયને પવિત્ર બનાવી હંમેશા ખુશ રહેવા માટે પ્રયાસ કરીએ તે જ જીવન. બાકી મૃત આત્મા કહેવાશો.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨