સમગ્ર વિશ્વ જેના જન્મના વધામણાં કરવા થનગની રહ્યું છે તેવા અખિલ બ્રહ્માંડના માલિક એટલે બાળ સ્વરુપ શ્રી કૃષ્ણ જેને સૌ લાડથી કાનુડો અને કનૈયો કહીને બોલાવે છે એવા માખણ ચોર, મટકી ફોડ બાળ ગોપાલનું આ ધરતી પર અવતરણ જેલમાં બંદીવાન માતા દેવકીની કૂખે જન્મ લઈને થાય છે. ત્યારે એમ કહેવાય છે ઘડીભર નદીઓના નીર થંભી ગયા હતા, આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી હતી, સમગ્ર સૃષ્ટિમાં નવચેતના પ્રગટી હતી. આવા અવસરે દરેક શહેર ગામમાં શેરી મહોલ્લો,ગલી ગલી અને દરેક દેવ સ્થાનોમાં બધા સાથે મળીને બાળ ગોપાલ કાનુડાના જન્મને વધાવવા તડામાર તૈયારીઓ કરીને આજે જન્માષ્ટમીના રાત્રીના બરાબર બાર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. કૃષ્ણજન્મનો મહિમા હજારો વર્ષોથી સતત જળવાઈ રહ્યો છે. એનું કારણ અખિલ બ્રહ્માંડના માલિક એવા શ્રીકૃષ્ણ ભગવાને આ સૃષ્ટિ પર અવતાર ધારણ કરીને સ્વ લીલા રચીને સૌને જીવન દર્શન, જીવન જીવવાના માર્ગદર્શક સિદ્ધાંત પૂરા પાડ્‌યા છે. હજારો લાખો વર્ષો સુધી તેમના જીવનમાંથી પ્રેરણા મળતી રહેશે. હજારો વર્ષ પહેલાં એમના સ્વમુખે બોલાયેલ વાક્યો આજના સમયમાં પણ ભાગવત ગીતાના શ્લોક સ્વરૂપે માર્ગદર્શન પૂરું પાડે છે. જેમનો જન્મ જેલમાં થયો અને જન્મ વખતે માતા પિતા બન્ને બંદીવાન હોય એવું દુઃખ આ જગતમાં કોઈને ના હોય, જન્મ પછી તરત જ બીજા સ્થાને આશરો, જન્મદાતા જુદા અને પાલક માતા પિતા જુદા કેવી વિધિની વિચિત્રતા! જન્મ પછી તરત જ સગો મામો વેરી. સતત જીવનું જોખમ. બાળ સ્વરૂપે પારણામાં હોય ત્યારથી પૂતના જેવી રાક્ષસી જીવ લેવાં આવે..છતાં હસતા હસતા તેનો શિકાર કરે.ત્યાર બાદ ગોકુળમાં બાળ સખાઓ સાથે લીલા કરે..ગોપીઓના મહીડા અને માખણ ચોરે ત્યારથી માખણ ચોર કહેવાયા. ગેડી દડે રમતા રમતા યમુનામાં દડો પડી જાય ત્યારે તેમાં જંપ લાવીને કાળી નાગને નાથે! એક નાનકડો બાળક આવું પરાક્રમ કરી શકે એ વાત માન્યામાં ના આવે એ જ ભગવાનનું પ્રમાણ કહેવાય. માટી ખાતા બાળ કૃષ્ણને માતા જશોદા ટપલી મારીને મોં ખોલાવે ત્યારે માતાને વિરાટ સ્વરૂપના દર્શન કરાવે. આવા પરાક્રમી હોવા છતાં ગોપીઓની ફરિયાદ સાંભળીને દોરડે બંધાઈ જાય ત્યારે તેમનો પ્રેમ એની માયાના દર્શન થાય. એમના દર્શન કરવા દેવાધિદેવ મહાદેવ પણ કૃષ્ણલીલામાં ગોપીનું સ્વરૂપ ધારણ કરીને કાન ગોપી રાસમાં જોડાયા હતા. જેના દર્શન માટે દેવો પણ ઉત્સુક હોય એવું સ્વરૂપ એટલે બાલ શ્રી કૃષ્ણનું સ્વરૂપ. આ તો માત્ર બાળ લીલાની વાત કરી પણ પ્રભુનું જીવન સ્વરૂપ તો નિરાળું છે. જીવનમાં ડગલે ને પગલે બનતી ઘટનાઓ વખતે એમાંથી માર્ગદર્શન મળી રહે છે. એમના ગોકુળ મથુરાની ગલીઓમાં એમના પરાક્રમો અને મામાં કંસના વધ બાદ સોનાની દ્વારિકા નગરીનું સર્જન કરે છે. કેટ કેટલું સ્થળાંતર એમણે કર્યું હતું. આ બધાની વચ્ચે એમના બાળપણના મિત્ર સુદામા સાથેનો એમનો વ્યવહાર અને વગર માગ્યે મિત્રની જરૂરિયાત સમજીને કરેલી મદદ સાચી મિત્રતાનું અનુકરણીય ઉદાહરણ છે.”મિત્રતા હોય તો કૃષ્ણ સુદામા જેવી”. આ કહેવત જગતને શ્રીકૃષ્ણે અર્પણ કરી છે. રખાવટ કોને કહેવાય અને રખાવટ કેવી હોય એ બાબત હર પળ દરેક સંકટ સમયે પાંડવોની પડખે ઊભા રહીને સાબિત કરી દેખાડ્‌યું છે.
લાક્ષાગૃહની ઘટના હોય કે ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ હોય કે પછી અજ્ઞાતવાસ હોય કે મહાભારતનું યુદ્ધ હોય કૃષ્ણ સગા માટે અને મિત્ર માટે શું શું અને કેટ કેટલું કરી શકાય એ એમના પોતાના જીવનમાં જીવીને જગતને કરી દેખાડ્‌યું છે. શિશુપાલ વધની ઘટના દ્વારા દુશ્મન અને દુષ્ટને કેટલી વાર માફ કરવો અને છતાંય ના સમજે તો પછી સગાને પણ ના છોડવો એ બોધ આપ્યો છે. પાંડવોના દૂત બનીને કૌરવોની સભામાં શાંતિ પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે દુર્યોધન દ્વારા અપમાનિત શબ્દોથી સહેજ પણ વિચલિત થયા વિના કૌરવ સભામાં પોતાના વિરાટ સ્વરૂપથી સૌને આંજી દીધા હતા. વળી વાદ વિવાદ વખતે વાતચીત અને વાટાઘાટોના બનતા તમામ પ્રયત્નો કરી લેવા જોઈએ અને અંતે શાંતિના તમામ દ્વાર બંધ થઈ જાય ત્યારે યુદ્ધ એ જ કલ્યાણ છેલ્લો રસ્તો અપનાવવો જોઈએ. એ શીખ એમના આ પ્રસંગમાંથી મળે છે. મહાભારતના યુદ્ધ પહેલા દુર્યોધન અને અર્જુન બન્ને એકસાથે મદદ માટે ભેગા થઈ જાય છે ત્યારે ચતુરાઈપૂર્વક અર્જુનના પક્ષમાં સાથે રહેવાનું વચન આપીને પોતે હંમેશા પોતાના સખા ભક્ત અને ધર્મના પક્ષમાં ઊભા રહેવાનું ઉદાહરણ પૂરું પાડે છે. અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરવા જે ઉપદેશ આપ્યો તે શ્રીમદ્‌ ભાગવત ગીતા એ આપણો જીવન ગ્રંથ છે. કર્મયોગનો સંદેશ આજે પણ એટલો જ ઉપયોગી છે. અર્જુનની રક્ષા એના સારથિ બનીને કરી હતી. પોતે સર્વ શક્તિમાન હોવા છતાં એક સામાન્ય વ્યક્તિ તરીકે સૌની વચ્ચે સાહજિકતાથી રહે છે તે પણ શીખવા જેવી બાબત છે. એમના જીવનના અંત સુધીના તમામ પ્રસંગો આજે પણ સાંપ્રત સમયમાં જીવનમાં ઉપયોગી લાગે એવા પ્રાચીનથી અર્વાચીન,આદિથી અંત, અત્ર-તત્ર અને સર્વત્ર વ્યાપી જગત ગુરુ જગદીશ, મુરલીધર, ભગવાન દ્વારકાધીશના ગુણગાન ગાઇએ એટલા ઓછા પડે. નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી, કુંવરબાઈનું મામેરું પૂરનાર, મીરાબાઈનો ઝેરનો કટોરો પણ પચાવી દેનાર ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ એટલે જન્માષ્ટમીની સૌને શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતી સગરમ, સર્વ દેવસ્ય નમસ્કારઃ કેશવમ પ્રતિ ગચ્છતી.