રાત્રીનું ભૂરૂં આકાશ ટમટમી રહ્યું હતું. ગંગા નદીના પ્રવાહથી થોડેક દૂર એક ધર્મશાળા હતી. જયાં સાધુ – સંન્યાસી – જતિ – જાગી પડયા પાથર્યા રહેતા હતા. આખો દિવસ ગંગાના ઘાટેઘાટ ફરતા આ બધા ભગવા કંથાધારી સાધુ ભાવિક ભક્તો પાસે પાઈ પૈસો માંગતા રહેતા અને અન્નક્ષેત્રમાં જે કાંઇ મળતું એ ખાઇને પેટ ગુજારો કરી લેતા. એવો જ આ સાધુ, ધર્મશાળાના ચોગાનમાં એક હાથનું ઓશિકું કરીને તારામઢિત ભૂરાં ભૂરાં આકાશને તાકી રહ્યો હતો. જયારથી એ બે ત્રણ વરસના બાળકના બરડા ઉપર લાખુ જાયું છે. ત્યારથી તેનું ચિત ચકરડીએ ચડયું છે. મનમાં ચેન નથી. જાણે એ બાળક સાથે આ – ભવની કોઇ સગાઇ હોય એમ લાગતું હતું તેનુ મન બાળકને તેડી લેવા કેમ ઝંખતું હતું ? તેનો અંદરનો લોહીનો ઉછાળ બાળકને બાથમાં લઇ વ્હાલથી ભીંજવી દેવા કેમ ઝંખતો હતો, તે બાબતનો તેની પાસે કોઇ જવાબ નહોતો. હરિદાસે તેને વેધક સવાલ કર્યો હતો કે ભગવા પહેર્યા પહેલાની જિંદગી કેવી હતી ? તેનો તેની પાસે જ જવાબ નહોતો. એણે હરિદાસને કહ્યું હતું: “ મોટા , સાધુનુ ફળ અને વાતનું મૂળ ન પૂછો, એ બધુ તો શરીર ઉપરથી લૂગડા ઉતારીએ એમ એ બધા વળગણ ઉતારી દીધા છે.” “ના, ના… આ તો તમે મારૂં ગામ પૂછયું, નામ પૂછયું, મારૂં ઠામ ઠેકાણું પૂછયું એટલે હું ય તમને પૂછું ને ?” હરિદાસે આંખોમાં તાક મારીને કહ્યું: “ જા બધા જ સગપણના વળગણ તમે મનથી ઉતારી જ દીધા હોય તો પછી મને શા સારૂં બધું પૂછો છો ? કાંઇ મારે ને તમારે દીકરા દીકરીની સગાઇ સગપણ તો કરવા નથી તો પછી આટલી બધી જીજીવિષા શું કામ ? હા, આપણે મળ્યાં ને તમે બે પાંચ રૂપિયા દક્ષિણા માગો તો એ ગનીમત, એમાં તમારો હક્ક છે પણ તમે મારા દીકરાને રમાડવા લાગ્યા, મારી પાસેથી પરાણે તમારા હાથમાં લઇ એને તમારા પંડય સાથે વળગાડવા મંડયા આ બધું શા માટે? તમે તો ભેખધારી છો અને વળી, તમારે ને મારે તો કોઇ ઓળખાણ પાળખાણ પણ નથી, તો પછી ?”
“આ બાળક…” સાધુએ ફરીવાર તેને હરિદાસના ખોળામાંથી લલ્લાને સાહી લેવાનો પ્રયત્ન કર્યો. એટલે હરિદાસે લલ્લાને પકડી રાખ્યો “હવે રહેવા દો મા’રાજ એ રોવા મંડે છે. કહી હરિદાસે ઊભો થયો “ લ્યો ત્યારે રામેરામ….”
“બે મિનિટ…” સાધુએ આજીજીભરી દ્રષ્ટિએ તેને કહ્યું:“ મોટા, ગેરસમજ ના કરશો પણ કોણ જાણે આ બાળકથી છૂટવાનું મન નથી થતું. બસ, એકવાર કહી દો, કે કયાં રહેવા ? કયારેક એ બાજુ આવું તો ખાસ તારા દીકરાને રમાડવા આવીશ.”
“હું માંડવગઢ રહુ છું. સોરઠ કાઠિયાવાડમાં.”
“માંડવગઢ ? ” સાધુની આંખમાં ચમકારો થયો: “મોટા, તારૂં ગામ પાળિયાદગઢથી કેટલુંક આઘુ ?”
“પાળિયાદગઢના પડખામાં જ સાતેક ગાઉ થાય પણ તમે ?” “હું પાળિયાદ રામાભગતની જગ્યામાં આવેલો અમે સાધુમંડળ સાથે નીકળીએ ત્યારે કાઠિયાવાડના એકેક મંદિર ફરીએ.”
પણ આ જે બાળક છે એ ભાગ્યશાળી છે.”
“એના બરડામાં લાખું છેને એટલે…” હરિદાસે તેને કહ્યું: “ એકવાર મારા ઘરે આત્માનંદ બાપુ આવેલા એણે ખોળામાં બેસાડીને આખા શરીરે હાથ ફેરવેલો ત્યારે જ કહેલું કે આના બરડામાં લાખું છે એટલે તારૂં નામ દીપાવશે અચાનક સાધુએ પોતાની કંથા ઊંચી કરી, હરિદાસ સાધુના ખુલ્લો બરડા જાઇ ચમકયો બિલકુલ એવું જ લાખુ સાધુની પીઠ ઉપર જમણી તરફ હતું.
“ જાયું ? મારે પણ એવું જ લાખુ છે..” ધીરે ધીરે ભગવી કંઠી નીચે ઉતારતો સાધુ કટાક્ષ ભર્યું હસ્યો : “ મોટા લાખું તો મારે પણ છે પણ સંસારના સુખને ને મારે બાર ગાઉનું છેટું છે. તારા આત્માનંદ બાપુને કહેજે કે હરિદ્વાર એક સાધુ પણ મળ્યા હતો એના બરડામાં પણ લાખું હતું. પણ એ આંગળુય સુખ પામ્યો નથી. ઉલટાના ચારે દશના વાયરા વાયા પછી જીવ ટૂંકાવી નાખવા માંગતો હતો. ગંગા નદીમાં પડતું મુકી જીવને જતો કરવા માંગતો હતો એ તો એક સાધુએ તેને પડતો બચાવી લીધો. અને હવે નથી ઘર કે નથી કોઇ ઠેકાણું વનવન ભટક્યા કરૂં છું. મોટા શું આ મારો અવતાર ભાગ્યશાળી છે ? હું ભાગ્યશાળી કહેવાઉ ? ” હરિદાસ જવાબમાં કંઇ બોલ્યો નહી. પણ ઊભો થઇ ચાલવા લાગ્યો. મનમાં ને મનમાં વિચારતો હતો મને આ લપ ક્યાં વળગી ?”
એ ચાલવા લાગ્યો કે પાછળ પાછળ સાધુ પણ ચાલવા લાગ્યો. હરિદાસને થયું કે આ સાધુના સ્વાંગમાં કોઇ ગઠિયો છે. નક્કી આ કોઇ ફંદો તૈયાર કરી રહ્યો છે. એ ઉતાવળે પગલે ચાલ્યો. આમ તો દોડયો અને ભીડમાં અલોપ થઇ ગયો. પછી પાછળ ફરીને જાયું તો હાશ થઇ. પેલો સાધુ તેને આમ તેમ શોધતો હતો હરિદાસે તકનો લાભ લઇને આશ્રમ ભણી ગડગડતી મૂકી…
સાંજ પડી એ લલ્લાને રમાડતો રમાડતો સાધુ સાથે થયેલી આજની મુલાકાતના વિચાર વમળમાં કળણમાં ખૂંપી રહ્યો હતો. ત્યાંજ કમાડ ખૂલ્યું તેણે જાયું તો રૂપા હતી તેના ચહેરા ઉપર નકરો ઉત્સાહ અને ખુશી જ છલકતા હતાં.
“આવી ગયા ભગત ?”
“ આરે હા, થોડુંક મોડું થઇ ગયું: ” રૂપા, બિલકુલ હરિદાસની સાવ અડતી આવીને બેસી ગઇ: “ લલ્લાએ તમને હેરાન તો નહોતા કર્યાને ? મારા નામનું વેન” “ અરે, જરાય નહીં ભગત… એને તો આજ એટલી મજા આવી ગઇ કે ન પૂછો વાત! ”
“મનેય બહુ મજા આવી ભગત” રૂપા પણ ઉત્સાહથી બોલી ઉઠી: “આજે તો કેટલાય મંદિરે દર્શન થયા તમે જુઓ તો ખરા ભગત, આ દેવભૂમિ અમથી નથી કહેવાણી ! કેટલાયે મંદિર છે અને વળી મારા મામાના ગામની જ બસ આવી વળી મારે તો મજા પડી ગઇ. કુટુંબી મામા – મામી, ભાઇ – ભાભીયુ જાણે મેળો થઇ ગયો…
“સારૂં કર્યું ને ? હરિદાસ રાજી થયો.“ ભગત, જુઓ આ બધો કુદરતનો ખેલ છે કેવો નિરાળો છે. આપણે અહીં આવ્યા ને એજ સમયે તમને તમારા મોસાળિયા મળ્યા. અંજળ હશેને ?” “ભગત” રૂપા રાજી રાજી થઇ જતા ભાવવિભોર થઈ બોલી ઉઠી:“ આ ભોમકાનું ખેંચાણ તો જુઓ જાણે એમ જ થાય છે. કે ઘરે જવું જ નથી. આખું આયખું અહીયા જ વિતાવી દઇએ…” એમ કરતા કરતા હરિદાસની સાવ અડતી સરી ગઇ હરિદાસે તેના માથે હાથ મૂક્યો. જવાબમાં રૂપા આંખો બંધ કરી ગઇ. પતિના સ્પર્શમાં નકરૂં વ્હાલ હતુ એના મનને પરમ સંતોષ થઇ રહ્યો. હરિદાસે એક – બે ઘડી હાથ રાખ્યા પછી મીઠી નજરે તેને તાકી રહ્યો રૂપાની અને હરિદાસની મીઠી નજર આપસમાં ટકરાઇ ગઇ. બેય હૈયા એકબીજાનું વ્હાલપભર્યું સાન્નિધ્ય માણી રહ્યા. રાત્રી વીતી રહી હતી. પણ હરિદાસની આંખોમાં ઊંઘ નહોતી વળી વળીને તેને સાધુના જ વિચારો આવી રહ્યા હતા. રૂપા તો થાકી હતી તે સૂઇ ગઇ પણ અડધી રાત્રે જાગી તો પથારીમાં બેઠો બેઠો હરિદાસ માળા ફેરવી રહ્યો હતો. રૂપા ક્યાંય લગી તેને તાકી રહી: “ તમે સૂતા નથી ?” રૂપાએ આંખો ચોળતા ચોળતા તેને કહ્યું: “ કોઈ વિચારમાં છો ? ઉંઘ નથી આવતી કે પછી..” જવાબમાં માળ અટકી, આંખો ખૂલી. એ બે નજર અત્યારે જાણે સમૂળગી બદલાઈ ગયેલી લાગી રહી હતી. રૂપા નાઇટલેમ્પના પીળા ઝાંખા પ્રકાશમાંય એ આંખોને ઓળખી ગઇ. એ આંખોમાં હાલકડોલક થતું વિચારોનું ઉછળતું તોફાન હતું જાણે.
“જે હોય એ ચોખ્ખે ચોખ્ખુ કહી દો.” રૂપા હરિદાસની પથારીમાં આવીને બેઠી: “તમને સાંજથી જાઉ છું કોઇને કોઇ વિચારોમાં ડૂબેલા છો. આજે રસોડે વાળુ કરવા ગયા તોય તમે માંડ બે બટકા ખાધુ છે વાળુ પણ પુરૂ કર્યા નથી. જે કંઇ હોય એ કહો તો મને ખબર પડેને” “નારે ના, ભગત એવું કાંઇ નથી.” હરિદાસે માંદેલુ સ્મિત કર્યુ.“ન કહો તો મારા સમ છે તમને..” રૂપાએ હરિદાસનો હાથ લઇ પોતાના માથાં ઉપર મૂક્યો હરિદાસે હાથ પાછો ખેંચી લેતા અરેરાટી ભર્યા સ્વરે કહ્યું: “અરે અરે, એવું ન બોલો ભગત.”
“તો પછી કહો”
“આજે એક સાધુ મળ્યો હતો.” હરિદાસે માડીને વાત શરૂ કરી પણ વાતની શરૂઆતને રૂપાએ વાઢી જ નાખી “તમે આવા બાવા સાધુની સંગત શું કામ કરો છો ? તમને ખબર તો છે જ ને કે આવા ઢોંગી ધૂતારા પરસાદમાં કંઇક ખવડાવી દે. અને તમે છો સાવ ભોળિયાનાથ જેવા તમને કે લલ્લાને કૈંક કરી નાખ્યું. હોત તો એણે ?” “અરે, ભગવાન કાંઇ ન થાવા દે. પણ…પણ…” હરિદાસ અટકી ગયો “પણ શું ?” રૂપાએ સંદેહભરી નજરે પતિ સામે કહ્યું: “વાત પુરી કરો, મારો જીવ મુંઝાય છે.”
વાતનું પૂર્ણ વિરામ વાળતા હરિદાસ કહે: “ સાધુના બરડામાં બિલકુલ એવું જ લાખું, જેવું લલ્લાના બરડે…”
“હે?” રૂપાના માથે જાણે વીજળી પડી.
—–સાંજે એભલ ગામમાંથી આવ્યો કે ઉત્સાહભર્યા અવાજે રેખાને કહ્યું: “ એય કાલ સાંજ સામના ગામથી જાતરાની બસ જાય છે. આઠ સીટ ખાલી હતી તો મેં તારૂં ને મારૂ નામ લખાવી દીધું છે જાવુ છેને ?” “હોય નહીં.” રેખા ખુશ થઇ ગઇ:“સાચ્ચુ?”
વિધિના સંજાગ… કરમની કઠણાઇ… કે પછી આગમના એંધાણ….! સમયનું ચક્ર મંદ મંદ સ્મિત કરીને આગળ ચાલવા ગયું…. (ક્રમશઃ)