તેલંગાણા હાઈકોર્ટે મંગળવારે ૨૦૧૩ના હૈદરાબાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના પાંચ સભ્યોને મૃત્યુદંડની સજા ફટકારવાના ગૌણ અદાલતના નિર્ણયને સમર્થન આપ્યું. તમને જણાવી દઈએ કે ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ હૈદરાબાદના ભીડભાડવાળા દિલસુખનગર વિસ્તારમાં બે વિસ્ફોટ થયા હતા. આ ઘટનામાં ૧૮ લોકો માર્યા ગયા હતા અને ૧૩૧ ઘાયલ થયા હતા. પહેલો વિસ્ફોટ બસ સ્ટોપ પર થયો હતો અને બીજા વિસ્ફોટ દિલસુખનગરમાં એક ઢાબા (એ૧ મિર્ચી સેન્ટર) પાસે થયો હતો.
આ કેસની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ કે. લક્ષ્મણ અને જસ્ટિસ પી. શ્રી સુધાની બેન્ચે એનઆઇએ કોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું. તેમણે ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્યો દ્વારા દાખલ કરાયેલી સુધારણા અપીલને ફગાવી દીધી. બેન્ચે કહ્યું, “સબઓર્ડિનેટ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજાને સમર્થન આપવામાં આવે છે.” તમને જણાવી દઈએ કે ૧૩ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ એનઆઈએ કોર્ટે ઈન્ડિયન મુજાહિદ્દીનના કો-ફાઉન્ડર મોહમ્મદ અહમદ સિદ્દીબાપા ઉર્ફે યાસીન ભટકલ, પાકિસ્તાની નાગરિક ઝિયા-ઉર-રહેમાન ઉર્ફે વકાસ, અસદુલ્લા અખ્તર ઉર્ફે હદ્દી, તહસીન અખ્તર ઉર્ફે ઈજા શેખ અને મોનુને દોષિત ઠેરવ્યા હતા.
એક દોષિતના વકીલે કહ્યું કે તેઓ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. ફરિયાદ પક્ષના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે એનઆઇએએ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે કારણ કે તેમાં આતંકવાદી પ્રવૃત્તિનો સમાવેશ થતો હતો, જાકે શરૂઆતની તપાસ હૈદરાબાદ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે મુખ્ય આરોપી રિયાઝ ભટકલ પાકિસ્તાનમાં છુપાયેલો છે.
ફરિયાદ પક્ષના વકીલે જણાવ્યું હતું કે એનઆઇએ કેસ માટેની ખાસ કોર્ટે પાંચ દોષિતોને મૃત્યુદંડની સજા ફટકારી હતી, જે તેને દુર્લભમાં દુર્લભ કેસ ગણીને સંભળાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર વિગતવાર સુનાવણી કર્યા પછી હાઇકોર્ટે પાંચ ઇન્ડિયન મુજાહિદ્દીન આતંકવાદીઓની મૃત્યુદંડની સજાને સમર્થન આપ્યું. તમને જણાવી દઈએ કે એનઆઇએએ ૪,૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.