જીવન જીવવાની શક્તિ કુદરત દરેક જીવને આપે છે. પણ જીવન મળ્યા પછી પરિસ્થિતિને અનુકૂળ થઈને કેમ જીવન જીવવું એ દરેકની પોતાની સહનશક્તિ પર આધાર રાખે છે. પૃથ્વી પરના દરેક જીવની જીવનશૈલી અલગ અલગ હોય છે. કેટલીય જાતિ, પ્રજાતિઓ વચ્ચે વહેંચાયેલ માનવ સમુદાયની જીવનશૈલી પણ પ્રાંત, વિસ્તાર, દેશ, કાળ મુજબ નોખી નોખી હોય છે. દરેકના માટે ભૌગોલિક પરિસ્થિતિ અને સંસાધનો તેમજ આબોહવા કે હવામાન પણ અલગ અલગ હોય છે. દરેકના ખોરાક, પોશાક, રહેઠાણ અને રીતરિવાજ એ મુજબ ગોઠવાયેલ હોય છે. માનવ શરીરની આંતરિક રચના એક સરખી હોય છે પણ બાહ્ય દેખાવ દેશકાળ મુજબ બદલાતા હોય છે. આટલી બધી વિવિધતાની વચ્ચે પણ એક સરખી માન્યતા, રિવાજ, રૂઢિ મુજબના સમુદાયમાં રહેતો માણસ એકબીજા સાથે વ્યવસ્થિત તાલમેલ સાથે રહી શકે એ માટેની એક આંતરિક શક્તિ દરેકમાં પડેલી હોય છે અને એનું નામ છે અનુકૂલન શક્તિ જેને આપણે સહનશક્તિ તરીકે પણ ઓળખીએ છીએ. એક બીજા સમુદાય સાથે તાલમેલ, વ્યવહાર વિનિમય દરેકમાં અનુકૂલન સાધવામાં ક્યારેક થોડી જાજી અગવડતાઓ પડે છે ત્યારે જો સહનશક્તિ ના હોય તો સબંધો કોઈ સાથે બંધાતા નથી, સચવાતા નથી કે ટકતા નથી. એનાથી ઉલટું સ્વભાવ, ચરિત્ર, વિચાર, વર્તન વગેરે બાબતો સાથે તાલમેલ ના મળે તો પણ થોડું ઘણું જતું કરીને, થોડું જાતે કરીને સૌ સાથે રહેવા માટે મન મનાવી લેવાથી સમાજ કે સમુદાય સાથે નાતો જળવાઈ રહે છે. માત્ર પોતાના વિચારો મુજબ જ બીજાના વર્તનની અપેક્ષા રાખવાથી સુખી થઈ શકાતું નથી. ઉલટાનું અન્યથી અતડા અતડા રહેવું પડે છે. અનુકૂલન એ વ્યક્તિનું એવું આંતરિક પરિબળ છે જેનાથી તેના વ્યક્તિત્વની આખી છાપ બંધાય છે. કોઈ વ્યક્તિ ગમે એટલી મોટી સંપત્તિ ધરાવતો હોય કે ગમે એટલા મોટા હોદ્દા પર હોય કે સત્તાના સિંહાસન પર બિરાજતો હોય પણ એનામાં લોકો સાથે અનુકૂલન સાધવાની શક્તિ કે આવડત ના હોય તો લોકો કાયમ એની સાથે ટકતા નથી અથવા તો માત્ર તકવાદી માણસો જ એની આસપાસ સ્વાર્થ પૂરતા ફરે છે. જેવો સ્વાર્થ પતે કે સત્તા જાય પછી એની આસપાસ કોઈ ફરકતું પણ નથી. એનાથી ઉલટું અનુકૂલન સાધનાર કે સહનશક્તિ ધરાવનાર વ્યક્તિ સત્તા કે સંપત્તિ ગયા પછી પણ લોકો વચ્ચે પ્રિય બનીને રહી શકે છે. સહનશીલ વ્યક્તિનો સ્વભાવ જ એવો હોય કે સુખ-દુઃખ, અગવડતા-સગવડતા, તડકી-છાયડી ગમે તેવી પરિસ્થિતિમાં આ વ્યક્તિ સૌને માટે પ્રિય બનીને રહી શકે છે. દરેકના દિલમાં પ્રેમભાવ જોઈ શકનાર સૌને માટે પ્રિય બનીને રહી શકે છે. નાની મોટી ભૂલો થાય કે થોડી ઘણી અગવડતા ઊભી થાય ને તરત જ ઉકળી જનાર વ્યક્તિ પોતે તો અંદરથી સુખી હોતો નથી અને બીજાને પણ સુખ શાંતિ લેવા દેતા નથી. એનાથી ઉલટું ગમે તેવું ઊંધું વળી જાય, ગમે એટલી અગવડતા ઊભી થાય પણ ઉક કે ચૂક ના કરે પણ હર હાલમાં હસતો રહી શકે એ કાયમ માટે લોક હૃદયમાં પ્રીતિ પાત્ર બનીને રહી શકે છે. માટે થોડું ઘણું આમતેમ ચલાવી લઈને, થોડું ઘસાઈને, થોડું સહન કરીને, થોડું એડજેસ્ટ કરીને પરિસ્થિતિ સાથે તાલમેલ રાખીને સૌને અનુકૂળ બનીને જીવવામાં જે મજા છે એ જ સાચું સુખ છે. બાકી દરેકમાં વાંધા વચકા કાઢવા કે ગુણના બદલે માત્ર કોઈના અવગુણ જ જોવા એ માનસિક અશાંતિના કારણ છે. બાકી તો હરહાલમાં મસ્ત બનીને જીવવા માટે: ‘‘જીત પર હસતા રહેવું, હાર પર હસતા રહેવું, કોઈ ધરે તલવાર તો ધાર પર હસતા રહેવું”. છેલ્લે તો એટલી જ વાત મહત્વની છે જેને સહેતા આવડી ગયું એને રહેતા આવડી ગયું. દીકરા-વહુ, સાસુ-સસરા, દેરાણી-જેઠાણી, નણંદ-ભાભી વગેરે તમામ સંબંધો આવા સહનશીલ અને અનુકૂલનના સિદ્ધાંતો પર સફળ રીતે માનપાન સાથે ટકી શકે છે.