ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝ રમાઈ રહી છે. આ દરમિયાન ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા યુવા ભારતીય બેટ્‌સમેનો પોતાની તોફાની બેટિંગથી ઈતિહાસ રચી રહ્યા છે. અંડર-૨૩ સ્ટેટ એ ટ્રોફીમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનું કારનામું કરનાર ૨૧ વર્ષનો સ્ટાર સમીર રિઝવી તુફાન બની ગયો છે. ઉત્તરપ્રદેશના કેપ્ટન સમીર રિઝવીએ શનિવારે વડોદરામાં ત્રિપુરા સામે મેન્સ અંડર-૨૩ સ્ટેટ એ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી.
૨૧ વર્ષના સમીર રિઝવીએ સ્થાનિક ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. ત્રિપુરા સામે પુરુષોની અંડર-૨૩ સ્ટેટ એ ટ્રોફી મેચમાં ઉત્તરપ્રદેશની આગેવાની કરતા રિઝવીએ માત્ર ૯૭ બોલમાં અણનમ ૨૦૧ રન બનાવ્યા હતા. તેની વિસ્ફોટક ઇનિંગમાં ૧૩ ચોગ્ગા અને ૨૦ ઉંચા-ઉંચા સિક્સરનો સમાવેશ થાય છે, જેમણે ત્રિપુરાના બોલરોની ધોલાઈ કરી નાખી હતી. રિઝવી ૨૩મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો અને એકલા હાથે પોતાની ટીમને ૪૦૫ રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી.
રિઝવી શાનદાર ફોર્મમાં છે. તેની બેવડી સદી ઉપરાંત તેમણે સતત બે શાનદાર ઇનિંગ્સ રમી છે. એક મેચમાં ૧૫૩ રન અને બીજી મેચમાં ૧૩૭ અણનમ રન બનાવ્યા હતા. આ વિસ્ફોટક ઇનિંગ્સ મેચ વિનર તરીકે તેની ક્ષમતા દર્શાવે છે. દિલ્હી કેપિટલ્સે તેને આગામી આઇપીએલ સિઝન પહેલા પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેના વર્તમાન શાનદાર ફોર્મ સાથે રિઝવી આગામી આઇપીએલ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે મહત્વનો ખેલાડી બની શકે છે.