૧૯૮૭માં સાવરકુંડલા શહેરની વિકાસ યોજના મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકા દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ યોજના મંજૂરીના અભાવે અટવાયેલી હતી. સાવરકુંડલા શહેરના સર્વાંગી વિકાસ માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ કરેલી અથાગ મહેનત આખરે ફળી છે. શહેરના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણી શકાય તેવી અને છેલ્લા ૩૫ વર્ષથી મંજૂરીની રાહ જોઈ રહેલી સાવરકુંડલા નગરપાલિકાની મુસદ્દા રૂપ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના સાવરકુંડલા – ૨૦૪૧ને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. આ વિકાસ યોજના સાવરકુંડલા શહેરના આગામી ૨૫ વર્ષના વિકાસની દિશા નક્કી કરશે અને નગરપાલિકાને વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવા માટે પાયારૂપ બનશે.