ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારબા છેલ્લા ૩૦ વર્ષથી ફરાર રહેલા ખાલિસ્તાની આતંકવાદીની અમૃતસરથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ મંગત સિંહ છે અને તે ટિમોવાલ ગામમાં રહેતો હતો.

મળતી માહિતી મુજબ, યુપી એટીએસ ટીમને માહિતી મળી હતી કે મંગત સિંહ અમૃતસરમાં છુપાયેલો છે. આ અંતર્ગત, ટીમ બુધવારે અમૃતસર પહોંચી અને જિલ્લા ગ્રામીણ પોલીસના સહયોગથી, ટિમોવાલ ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન આરોપી મંગત સિંહની ધરપકડ કરવામાં આવી.

૧૯૯૩માં મંગત સિંહ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ, આર્મ્સ એક્ટ, ટાડા કલમો, હત્યાનો પ્રયાસ, હત્યા વગેરે સહિતના ઘણા કેસ નોંધાયેલા છે. આરોપીની તે સમયે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બે વર્ષ પછી ૧૯૯૫માં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી, આરોપી ભૂગર્ભમાં ગયો અને ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે આરોપીઓ વિશે માહિતી આપનારને ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.