૩૧ ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા વર્ષની ઉજવણી કરવા યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ જાવા મળી રહ્યો છે. નવા વર્ષની ઉજવણી કરવા માટે અમરેલી જિલ્લામાંથી અનેક લોકો પર્યટન સ્થળ દીવ જતા હોય છે ત્યારે દીવથી પરત આવતી વખતે પીધેલાઓને ઝડપી પાડવા અમરેલી જિલ્લા પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, નવા વર્ષની ઉજવણી બાદ પીધેલાઓને પકડવા માટે પોલીસની ટીમ બનાવવામાં આવી છે. દીવથી અમરેલી જિલ્લામાં પ્રવેશતા તમામ માર્ગો પર પોલીસ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. તમામ ચેકપોસ્ટ પરથી વાહનોનું ચેકીંગ તેમજ મુસાફરોની તપાસ કરવામાં આવશે. હાઈવે પર ચેકપોસ્ટની સાથે નાના માર્ગો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં જિલ્લાના રિસોર્ટ, ઢાબા સહિતના સ્થળોએ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે. આમ, પીધેલાઓ સામે કડક કાર્યવાહી કરવામાં અમરેલી જિલ્લા પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.