અમરેલી જિલ્લામાં રમતવીરો માટે અદ્યતન ક્રિકેટનું સ્ટેડિયમ મળે તે માટે ઉદ્યોગપતિ અશોકભાઈ ગજેરાએ જાહેરાત કરતાં ક્રિકેટ રસિકોમાં આનંદ ફેલાયો છે. જિલ્લાનાં રમતવીરોને શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસનું પ્લેટફોર્મ મળે તેવી વસંતભાઈ ગજેરાની ઈચ્છાને અશોકભાઈ ગજેરાએ પૂર્ણ કરી છે. વતનનાં રતન એવા અશોકભાઈ ગજેરાએ દિવાળી પર રણજી ટ્રોફી રમાડી શકાય તેવું અદ્યતન સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે. રૂ. ૩ કરોડનાં ખર્ચે જિલ્લાનું સૌથી મોટું પ્લેગ્રાઉન્ડ બનાવવામાં આવશે. વિદ્યાસભાનાં પ્રમુખ વસંતભાઈ ગજેરાનાં માર્ગદર્શન નીચે ૧૦૦ એકરમાં વિશાળ વિદ્યાસંકુલ બનાવવામાં આવ્યું છે. આ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે જિલ્લાનું નામ રોશન કરી રહ્યાં છે. આઝાદી પછી સારસ્વતો અને સાહિત્યકારોની ભૂમિ એવા અમરેલી જિલ્લાનાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે દૂર જવું ન પડે તે માટે શૈક્ષણિક સંસ્થાની જરૂરીયાત ઉભી થઈ હતી. આ જરૂરીયાતને પુરી કરવા વિદ્યાસભાની ઈ.સ.૧૯પ૯માં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સાયન્સ, આટ્‌ર્સ અને કોમર્સ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. થોડા વર્ષો બાદ મહિલા કોલેજની પણ સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાનાં વિકાસ માટે ઈ.સ.ર૦૦૦ પછી નિવાસી સ્કૂલ તેમજ કોલેજનાં નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા.
વતનનાં રતન એવા વસંતભાઈ ગજેરાએ વર્ષ ર૦૦૪માં એસ.એચ. ગજેરા કેમ્પસમાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સંસ્થાનું સુકાન સંભાળતા બાળકો માટે અત્યાધુનિક બિલ્ડીંગ જેમાં કેજીથી લઈ ધોરણ ૧ર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં અભ્યાસક્રમો શરૂ કર્યા છે. છેવાડાનાં ગામડાઓનાં વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા મળે તે માટે ત્રણ બોયઝ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ ૧પ૦૦ વિદ્યાર્થીઓ ભોજન લઈ શકે તેવું અદ્યતન ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે.

રમતગમત ક્ષેત્રે પસંદગી પામેલ વિદ્યાર્થીઓને વિશેષ સુવિધા
રમતગમત ક્ષેત્રે પસંદગી પામેલ વિદ્યાર્થીઓને અભ્યાસ, નિવાસ, ભોજન, સ્ટેશનરી, યુનિફોર્મ, જે સ્થળે રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવા જાય ત્યાં જવા આવવાનો ખર્ચ તેમજ જે તે રમતની સ્પેશ્યલ કીટ ફાળવવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ ઈનસ્કૂલ ખેલાડી તરીકે પસંદગી કરી નિયમીત ટ્રેનિંગ આપવામાં આવે છે. આ સિવાય સ્કેટીંગ, વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, ચેસ, કેરમ, ફુટબોલ, કરાટે વગેરે રમતોની તાલીમ આપવામાં આવે છે. અટલ ટિકરીંગ, સ્કીલ સ્કૂલ, વોકેશનલ એજયુકેશન, ઈન્ડોર-આઉટડોર ગેમ, મ્યુઝીક, ડાન્સ, કરાટે, સેલ્ફ ડિફેન્સ જેવા વિવિધતાસભર ર૧ કલાસની કલબ એકટીવીટીની આ સંસ્થા તૈયારી કરાવીને નેશનલ કક્ષાની સ્પર્ધાઓ સુધી વિદ્યાર્થીઓને સિદ્ધી પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

આનંદીબેન પટેલનાં હસ્તે એન્જીનિયરીંગ કોલેજની સ્થાપના કરવામાં આવી
વર્ષ-ર૦૧પમાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં હસ્તે શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા એન્જીનિયરીંગ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. સ્પોટ્‌ર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ-ર૦૧૮માં જિલ્લા કક્ષા સ્પોટ્‌ર્સ સંકુલની શરૂઆત કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ રાજયકક્ષાએ, રાષ્ટ્રીયકક્ષાએ અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ મેડલ પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધીઓ મેળવી રહ્યાં છે. રમતગમત ક્ષેત્રે ગુજરાતમાં નહી સમગ્ર દેશમાં અમરેલીનાં શાળાનાં વિદ્યાર્થીઓએ સિદ્ધીઓનો ડંકો વગાડયો છે. રાજયકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાનાં મેડલ મેળવવાની સિદ્ધી પ્રાપ્ત કરી સમગ્ર રાજયમાં એકમાત્ર શાળા તરીકે ઉભરી આવેલ છે.

બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં નં.૧
અમરેલીમાં આવેલ શૈક્ષણિક સંકુલ એટલે કે વિદ્યાસભા સંકુલનાં વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે તો પ્રગતિ કરી રહ્યાં છે. સાથોસાથ ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષામાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થા અને જિલ્લાનું નામ રોશન કરી રહ્યાં છે.

અભ્યાસ ક્ષેત્રે વિદ્યાસભા સંકુલ અવ્વલ નંબરે

અમરેલીમાં વસંતભાઈ ગજેરાની દીર્ઘદ્રષ્ટીથી વિદ્યાસભા શૈક્ષણિક સંકુલ રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. સંસ્થાનાં ટ્રસ્ટી અશોકભાઈ ગજેરાએ અમરેલી શહેરને ભવ્ય ક્રિકેટનાં મેદાનની ભેટ આપવાની જાહેરાત કરી છે ત્યારથી શહેરનાં ક્રિકેટપ્રેમીઓમાં આનંદ ફેલાયો છે. રમતગમત ક્ષેત્ર હોય કે બોર્ડની પરીક્ષા હોય તમામ ક્ષેત્રમાં વિદ્યાસભા સંકુલ હંમેશા અવ્વલ નંબરે રહ્યું છે.