નિતેશ તિવારીની રામાયણની રિલીઝ થવામાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ આ ફિલ્મ પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મના વિશાળ બજેટથી લઈને રામાયણની સ્ટાર કાસ્ટ સુધી, દરેક વસ્તુની ચર્ચા થઈ રહી છે, જ્યાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે. તે જ સમયે,કેજીએફ સ્ટાર યશ રાવણની ભૂમિકા ભજવતો જાવા મળશે. પરંતુ આ દરમિયાન એવું સામે આવ્યું છે કે એક અભિનેત્રીને આ મોટા બજેટ પ્રોજેક્ટમાંથી સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવી છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ કુબ્રા સૈત છે.
કુબ્રા સૈત ‘સેક્રેડ ગેમ્સ’માં કુકુની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. તેમણે પોતાના કામથી બધાને ખૂબ પ્રભાવિત કર્યા હતા. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે કુબ્રા સૈતે રણબીર કપૂરની રામાયણ માટે ઓડિશન આપ્યું છે. આ ફિલ્મમાં રાવણની બહેન શૂર્પણખાના રોલ માટે તેણીએ ઓડિશન આપ્યું હતું. પરંતુ આ ભૂમિકા માટે તેમની પસંદગી કરવામાં આવી નથી. બોલિવૂડ બબલને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન કુબ્રા સૈતે કહ્યું, મારા નાકને કારણે હું શૂર્પણખાના રોલ માટે પરફેક્ટ હતી. હું આ ભૂમિકા માટે યોગ્ય હોત, પણ તેમણે મને કાસ્ટ ન કર્યો. હવે મને એ જાણવાની ખૂબ જ ઉત્સુકતા છે કે તેમણે આ ભૂમિકા માટે કોને ફાઇનલ કર્યા છે.
ઇન્દીરા કૃષ્ણને તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે રામાયણમાં ભગવાન રામની માતા કૌશલ્યાની ભૂમિકા ભજવશે. આ સિવાય તેમણે અન્ય પાત્રો વિશે કહ્યું કે રણબીર ભગવાન રામના પાત્રમાં, યશ રાવણના પાત્રમાં અને સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત, તેમણે લક્ષ્મણની ભૂમિકા માટે ટીવી અભિનેતા રવિ દુબેનું નામ કન્ફર્મ કર્યું હતું. જોકે રવિએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.
રામાયણને સુપરહિટ બનાવવા માટે નિતેશ તિવારીએ એક મોટી ટીમ બનાવી છે. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવશે, તેથી દિગ્દર્શક ફિલ્મના બજેટ અંગે પોતાના હાથ ખુલ્લા રાખી રહ્યા છે. હાલમાં આ ફિલ્મનું બજેટ ૮૩૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રામાયણનો પહેલો ભાગ ૨૦૨૬ માં દિવાળી પર રિલીઝ થશે. ત્યારબાદ બીજા ભાગ દિવાળી ૨૦૨૭ ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ઉપરાંત, આ દિવસોમાં સાઉથ સ્ટાર યશ રામાયણ માટે પોતાના ભાગનું શૂટિંગ કરી રહ્યો છે.