યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ
યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ
એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્યાં સ્ત્રીઓની પૂજા નથી થતી, તેમનું સન્માન નથી થતું, ત્યાં કરેલા બધા સારા કામ પણ નિરર્થક બની જાય છે.
પરંતુ આજે સમાજમાં આનાથી તદ્દન વિપરીત ચિત્ર ઉપસી રહ્યું છે. ક્યાંક મહિલાઓને મળતા સન્માનમાં ખામી છે, તો ક્યાંક મહિલાઓ અસુરક્ષિત છે. ક્યાંક ઘરની ઈજ્જતના નામે ઘરની ચાર દિવાલોમાં કેદ છે, તો ક્યાંક પતિવ્રતાના નામે પતિના ત્રાસને પોતાનો ધર્મ ગણીને સહન કર્યે રાખે છે.
આવી મહિલાઓ ઘરની બહાર પણ સુરક્ષિત નથી. દિવસ હોય કે રાત, રસ્તા પર ચાલતી વખતે મહિલાઓ તરફ તાકતી આંખો, રસ્તા પર વાહન ધીમું કરી મહિલાને જોવી, બસ કે મેટ્રોમાં મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કરવો, ઓફિસોમાં દરરોજ નજરઅંદાજ થતી અસ્વસ્થ પરિસ્થિતિઓ…આ બધી એવી બાબત છે જેનો દરેક મહિલાને દિવસમાં એક વાર જ નહીં પણ ઘણીવાર સામનો કરવો પડ્‌યો હશે.
રેપ, એબ્યુઝ એન્ડ ઇન્સેસ્ટ નેશનલ નેટવર્કના અહેવાલ મુજબ, જાતીય હિંસાના ૭૦% કેસ અજાણ્યા દ્વારા નહીં, પણ પરિચિત લોકો દ્વારા થાય છે. આ ઘટનાઓ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું કોઈ માટે શક્ય નથી, પરંતુ મહિલા પોતે એટલી તો સક્ષમ હોવી જ જોઈએ, કે જે પોતાને સુરક્ષિત રાખવાની કળા જાણતી હોય. આવો સેલ્ફ ડિફેન્સની કેટલીક બાબતોને સમજીએ..
– (૧) ખુલ્લા હાથે પ્રહાર કરો:
તમારા હાથ કે મુક્કાથી હુમલાખોરના નાક, આંખ, કપાળ કે ગળા પર પ્રહાર કરો. તમારા હાથથી તમારા કાંડાને ટિ્‌વસ્ટ કરો, હુમલાખોરના નાકને ટાર્ગેટ કરી નાક પર કે હડપચીની નીચે કે ગળા પર પ્રહાર કરો, પછી ઝડપથી તમારા હાથને પાછો ખેંચી હુમલાખોરના માથા પર અને પાછળ ધક્કો મારો, જેથી હુમલાખોર પાછળની બાજુ અટકી જશે, જેથી તમે તેની પકડમાંથી છટકી શકશો.
– (૨) અપર એલ્બો અને બેક એલ્બોથી પ્રહાર કરો:
જો હુમલાખોર તમારી તદ્દન નજીક હોય, તેથી તમે જોરદાર મુક્કો કે લાત મારી શકો તેમ ન હોવ, તો તમારી કોણીનો ઉપયોગ કરીને તમે હુમલાખોરને પાછળ ધકેલી શકશો.
– (૩) હેન્ડબેગમાં મરીનો સ્પ્રે રાખો:
તમે તમારી બેગમાં મરીનો સ્પ્રે રાખી શકો છો. કેટલાક મરીના સ્પ્રે ગ્લાસ બ્રેકર સાથે આવે છે, તેના ઉપયોગથી શંકાસ્પદ વ્યક્તિની આંખો અને શ્વસનતંત્રમાં તીવ્ર બળતરા થાય છે. વળી, તેના ઉપયોગથી છીંક અને ખાંસી આવતાં હોવાથી તમને બચવા માટે પૂરતો સમય મળી રહે છે.
– (૪) સંવેદનશીલ ભાગ પર હુમલો:
હુમલાખોરના સંવેદનશીલ અંગો જેવા કે, આંખ, નાક, ગળું, કમર, હાથ કે પગની વચ્ચે હાથ કે પગથી પૂરતા બળપૂર્વક મારો, એની સાથે મોટે મોટેથી અવાજ અને બૂમાબૂમ પણ કરો, જેથી લોકોના ભેગા થવાની બીકથી હુમલાખોર તરત જ નાસી જશે.
– (૫) જંઘામૂળ કિક:
હુમલાખોરથી પોતાનું રક્ષણ કરવા માટે આ કિક શ્રેષ્ઠ ગણાય છે. જો હુમલાખોર સામેથી હુમલો કરવા આવે તો તમે આ કિકનો ઉપયોગ કરી શકો છો. આમાં તમે તમારી એડીને પાછળની તરફ કરો જેથી તમારો પગ ત્રિકોણ બની જાય. ઘૂંટણને ઉપર તરફ ખસેડો અને હુમલાખોરના પગ વચ્ચે પ્રહાર કરો.
– (૬) હેમર સ્ટ્રાઇકનો પ્રયોગ:
જ્યારે તમારી સામે કોઇ જોખમ આવે ત્યારે તમે હેમર સ્ટ્રાઈકનો ઉપયોગ કરો. એ માટે તમે તમારી પાસેની કાર, સ્કૂટર કે ઘરની ચાવી કે પછી ઘરમાં પડી રહેલી નકામી ચાવીને હથિયાર બનાવી શકો છો. તમારી સાડીના પાલવ કે દુપટ્ટાના છેડે એક નકામી ચાવીના ઝૂમખાને પહેલેથી જ બાંધેલું રાખો. લોલકની જેમ ઝૂલતા પાલવ કે દુપટ્ટાને પકડી ગોળ-ગોળ ફેરવી એ ઝૂમખું હુમલાખોરના મોં પર મારી શકો છો.
– (૭) પોલીસ, હેલ્પલાઇન નંબર પર કાલ કરો:
જો તમને એવું લાગે કે, તમે બહુ મુશ્કેલીમાં કે સંકટમાં છો, તો મદદ માટે તરત જ પોલીસને કે અભયમ હેલ્પ લાઇનને કાલ કરો. મહિલા સુરક્ષા માટે રચાયેલાં મહિલા સેલ અને એનજીઓ મહિલાઓની સુરક્ષા માટે ૨૪ કલાક તૈનાત રહે છે. તેમના નંબર મેળવીને તમારા મોબાઇલ ફોનમાં સેવ કરીને રાખો.
– (૮) મોબાઇલ ફોનમાં વીમેન સેફ્‌ટી એપ ઇન્સ્ટોલ કરો:
એવી ઘણી ઓછી શક્યતા છે કે બધી મહિલાઓ પોતાની હેન્ડબેગમાં કે પર્સમાં મરી-સ્પ્રે જેવું કંઈક રાખે. પરંતુ, સંકટના સમયે તમારી પાસે આ બધું ન હોય, તો પણ તમારો મોબાઇલ ફોન તો ચોક્કસ તમારી પાસે જ હશે, તેમાં વીમેન સેફ્‌ટી એપ ઇન્સ્ટોલ કરી રાખો. જેથી જરૂર પડ્‌યે કે સંકટ સમયે એ એપ કામ લાગી શકે. મોબાઇલ ફોન માટે ઘણી એપ્સ છે, જે ખાસ મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવી છે.
સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધેલી મહિલાઓમાં…(૧) કટોકટીની પરિસ્થિતિઓમાં વધુ સારી સુરક્ષા વ્યૂહરચના હોય છે. (૨) તેઓ કોઇપણ અજાણી વ્યક્તિ દ્વારા કે પછી જાણીતા લોકો દ્વારા થતા સંભવિત હુમલા કે દુરુપયોગનો સામનો કરવા માટે વધુ સારી રીતે સજ્જ હોય છે. (૩) સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધેલી મહિલાઓમાં સ્વ-બચાવ માટે આત્મવિશ્વાસ વધે છે.