ભારતના પૂર્વ વડાપ્રધાન અને પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનું નિધન થયું છે. ૨૬ ડિસેમ્બર, ગુરુવારે સાંજે ૯૨ વર્ષીય મનમોહન સિંહને ગંભીર હાલતમાં દિલ્હી એમ્સ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં મોડી રાત્રે તેઓનું નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી પીડિત હતા.
ડા. મનમોહન સિંહના અવસાનથી રાષ્ટÙીય શોકનો માહોલ છે. ભારતના તમામ પક્ષના નેતાઓ અને આગેવાનો સ્વ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકસ પર પોસ્ટ કરતા લખ્યું, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શોક વ્યક્ત કરતા કહ્યું, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડા.મનમોહન સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.
ડો. મનમોહન સિંહના અવસાન બાદ કેન્દ્ર અને ગુજરાત સરકારે સાત દિવસનો શોક જાહેર કર્યો છે. જે સાથે રાજ્યના તમામ મોટા કાર્યક્રમો, ઉજવણી, મેળાવડા સહિતના અન્ય કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમ અને અમદાવાદ કાંકરિયા કાર્નિવલ પણ રદ્દ કરવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ તેમના કાર્યક્રમો અને આંદોલન સહિતના કાર્ય સાત દિવસ સુધી રદ્દ કર્યા છે.
ગુજરાત કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સ્વ. મનમોહન સિંહ સાથેની એક જૂની તસ્વીર શેર કરતા લખ્યું, સમાનતા, સફળતા અને સાદગીના પ્રતિક તેવા ભારતના અમૂલ્ય રત્ન શ્રી મનમોહનસિંઘજીને આપણે સદા માટે ગુમાવ્યા છે. તેઓ સાથેની મારી મુલાકાતોની યાદો ચિરંજીવી રહેશે. સદગતને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું, આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના.