રાજસ્થાન રોયલ્સે પણ આખરે આઇપીએલ ૨૦૨૫ માં પોતાનું ખાતું ખોલ્યું છે. ટીમ બે મેચ હાર્યા બાદ ત્રીજી મેચ જીતવામાં સફળ રહી. હવે ટીમ પાસે થોડા દિવસનો વિરામ છે, ત્યારબાદ ટીમ ફરીથી મેદાનમાં ઉતરશે. દરમિયાન, મોટો પ્રશ્ન એ છે કે શું રાજસ્થાન રોયલ્સ ટીમ ચોથી મેચમાં સંજુ સેમસનની કેપ્ટનશીપમાં રમશે. પહેલા જ કહેવામાં આવ્યું હતું કે રિયાન પરાગ પહેલી ત્રણ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે. હવે આ અંગે એક મોટી અપડેટ આવી છે.
રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળ, રાજસ્થાન રોયલ્સ ટીમ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવવામાં સફળ રહી. મેચ સમાપ્ત થયા પછી તરત જ, સંજુ સેમસન બેંગલુરુ ગયો. એવું જાણવા મળ્યું છે કે સંજુ સેમસન બીસીસીઆઇ સેન્ટર ઓફ એક્સેલન્સ ગયો છે, જ્યાંથી તેણે એનઓસી લેવું પડશે. આ પછી જ તે કેપ્ટન તરીકે પરત ફરી શકશે. ફેબ્રુઆરીમાં, જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાઈ રહી હતી, ત્યારે સંજુ સેમસનની આંગળીમાં ઈજા થઈ હતી. તેથી, ભલે તે આઇપીએલમાં રમી રહ્યો હોય, તે હંમેશા મેદાન પર રહેતો નથી અને વિકેટકીપિંગ પણ કરતો નથી.
હવે તેની ઈજાનું મૂલ્યાંકન બેંગલુરુમાં કરવામાં આવશે, ત્યારબાદ જ્યારે તેને ત્યાંથી ર્દ્ગંઝ્ર મળશે, ત્યારે તે આખી મેચ રમશે અને સ્વાભાવિક રીતે જ ટીમનું નેતૃત્વ પણ કરશે. તે કીપિંગની જવાબદારી સંભાળશે કે નહીં તે રિપોર્ટ પછી જ નક્કી થશે. આ દરમિયાન, ક્રિકબઝમાં સૂત્રોના હવાલેથી એક સમાચાર બહાર આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સંજુ સેમસન હવે સંપૂર્ણપણે ફિટ છે અને તે ટૂંક સમયમાં વિકેટ-કીપિંગ અને કેપ્ટનશીપની જવાબદારી સંભાળવા માટે તૈયાર છે.
રાજસ્થાન રોયલ્સ ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે છે. ત્રણ મેચમાંથી એક જીત સાથે, ટીમે પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું છે, પરંતુ એક જીત પછી પણ ટીમનો નેટ રન રેટ ખૂબ સારો નથી, આવી સ્થિતિમાં રાજસ્થાન માટે સમગ્ર મેચ દરમિયાન સંજુ સેમસનનું મેદાન પર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજસ્થાનનો આગામી મુકાબલો હવે ૫ એપ્રિલે પંજાબ કિંગ્સ સામે થશે. એનો અર્થ એ કે ટીમ પાસે આ માટે પૂરતો સમય છે. હવે જાવાનું એ છે કે સંજુ સેમસન અંગે શું રિપોર્ટ આવે છે. આ પછી ટીમ કેવું પ્રદર્શન કરશે?